Satya Tv News


ભરૂચ વન વિભાગની ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર 3 રેન્જના 20 ફોરેસ્ટરોએ મુલદ હાઇવે ઉપર વાહન અડફેટે ઘાયલ થયેલા 10 વર્ષના નર દીપડાને બચાવવા દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે અઢી કલાકના વન વિભાગના હાઇવે ઉપર રેસ્કયુ છતાં દીપડાની જિંદગી બચી શકી ન હતી.


ભરૂચ મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે મંગળવારે રાતે પોણા 9 વાગ્યાના સુમારે સુરતથી ભરૂચ આવતી લેન ઉપર એક દીપડો હાઇવે ક્રોસ કરતા વાહન અડફેટે આવી ગયો હતો. .વાહન અડફેટે ગંભીર રીતે ઘવાયેલો કદાવર દીપડો હાઇવે ઉપર પડેલો જોતા પાછળથી આવતા વાહન ચાલકોના પણ શ્વાસ ક્ષણિક થમભી જવા સાથે આપો આપ વાહનને બ્રેક લાગવાની શરૂ થઇ ગઇ હતી.


જોતજોતામાં ભરૂચ હાઇવે પર મુલદ નજીક ઘાયલ દીપડો પડ્યો હોવાના મેસેજ અને વીડિયો વાયરલ થઈ ગયા હતા. ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા હાઇવે ઉપર ઘાયલ પડેલા દીપડાને રેસ્ક્યુ કરવા 3 દિશામાંથી 3 રેન્જ ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ નીકળ્યા હતા.


મદદનીશ વન સંરક્ષક પરેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા RFO એમ.કે.પરમાર સહિત 20 વ્યક્તિઓની રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે દોડી આવી ઘાયલ દીપડાને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.


સુરતથી ભરૂચ તરફની હાઈવેની એક લેન રોકાઈ જતા ટ્રાફિકજામ વચ્ચે વન વિભાગની 3 રેન્જ દ્વારા ઘાયલ દીપડાનું દિલધડક રેસ્ક્યુ ચાલ્યું હતું. ઘાયલ હોવા છતાં જળમાં દીપડાને પકડતી વેળા તેની દહાડ માત્રથી જ ટોળે ટોળા વળેલા વાહન ચાલકો પણ ડરના માર્યા દોડતા થઈ ગયા હતા.
વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યા બાદ સારવાર માટે ઝઘડિયા પશુ દવાખાને લાવી તેની સારવાર શરૂ કરી હતી. જોકે રાતે 11.30 કલાકે ઘાયલ દીપડાએ વેટરનીટી દવાખાનામાં જ દમ તોડી દીધો હતો. અઢી કલાકનું રેસ્ક્યુ, હાઈવેનો વાહન વ્યવહાર રોકવા છતાં દીપડાનો જીવ બચી નહિ શકતા વન વિભાગની ટીમ પણ નિરાશ થઈ ગઈ હતી.

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: