- રાજકોટ-ગોંડલ હાઇવે પર બિલિયાળા પાસેનો કરૂણ બનાવ
- સૌરાષ્ટ્રમાં સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગે આવી રહેલા પરિવારની કારનું ટાયર ફાટતા બેકાબુ બનીને એસટી બસ સાથે અથડાઈઃ એક બાળક ગંભીર
રાજકોટ – ગોંડલ નેશનલ હાઇવે બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કુદી એસ.ટી. બસ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં છ લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કડુસલો બોલી ગયો હતો. બનાવના પગલે એમ્બ્યુલન્સોના સાયરનથી નેશનલ હાઇવે ગુંજી ઉઠયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહો હોસ્પિટલ ખસેડવાની કામગીરીમાં લાગી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કપોદરા સોસાયટીમાં રહેતા મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા (ઉ.વ. ૩૮), પત્ની સોનલબેન (ઉ.વ. ૩૮), પુત્ર ધમલ (ઉ.વ. ૧૨), માતા શારદાબેન (ઉ.વ. ૫૬), બનેવી પ્રફુલભાઈ બામ્ભરોલિયા, બહેન ભાનુબેન અને આઠ વર્ષના ભાણેજ જેની સહિતનાઓ એસેન્ટ કાર મારફત સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતા ત્યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટયું હતું. જેથી બેકાબુ બનેલી કાર ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં જઇને એસટી બસ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તેમજ ભાનુબેનના મોત નિપજ્યા હતા. મૃતદેહોને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ધમલ અને જેનીને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન ધર્મિલનું પણ મોત થતાં મૃત્યુઆંક છ થયો હતો.
કરુણ ઘટના અંગે અશ્વિનભાઈના નાનાભાઈ મુકેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં અશ્વિનભાઈ મોટા હતા. બંને ભાઈઓ તેમજ ભાનુબેનનો પરિવાર સુરત સ્થાયી થયો હતો. સૌરાષ્ટ્રમાં માલસિકા, મોટા મૂંજીયાસર અને ભેસાણમાં સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગ હોય સુરતથી સવારે નીકળ્યા હતા. સાંજે ખોડલધામ દર્શન કરી મૂંજીયાસર આવવાના હતા. બન્ને ભાઈઓનો પરિવાર સાથે રહેતો હોય મુકેશભાઈ નવી હળીયાદ સંબંધીને ત્યાં ખરખરાના કામે બે દિવસ પહેલા જ આવી ગયા હતા. જ્યારે અર્શ્વીનભાઇ પરીવાર સાથે આજે નિકળ્યા હતા અને કાળનો ભોગ બન્યા હતા. છ સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો હતો.
નેશનલ હાઇવે ઉપર અકસ્માતની જાણ થતાં શિવમ સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડે ગોંડલ સરકારી હોસ્પિટલની બંને એમ્બ્યુલન્સ બંધ હોવાથી કોટડા સાંગાણીથી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ધમલ અને જેનીને સારવાર માટે રાજકોટ ખસેડી મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ટ્રસ્ટના સભ્ય ગીરીશભાઈ ગોહિલએ મૃતકના સોના ચાંદીના દાગીના એકઠા કરી પોલીસને સોંપ્યા હતા. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
બીલીયાળા પાસે અકસ્માતની બનેલી ગમખ્વાર ઘટનાના પગલે ભોજપરા અને બીલીયાળા વચ્ચે ટ્રાફિકજામ થતા નેશનલ હાઇવે પર બન્ને બાજુ વાહનોની અઢીથી ત્રણ કી.મી. કતારો લાગી હતી. વાહનોમાં પસાર થતા કેટલાક લોકો માનવતા નેવે મુકી વાહનને રોડ પર રાખી અકસ્માતની ઘટનાના ફોટા અને વિડીયો ઉતારવામાં મશગુલ હોય ટ્રાફિક સમસ્યામાં વધારો થયો હતો. લોકોને ખદેડવા પોલીસને પરસેવો પડયો હતો.