સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં સવારે 11 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી છે. જેની જાણ થતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગના કારણે બે કિલોમીટર સુધી ધુમાડાઓ દેખાઈ રહ્યા છે. હાલ ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું છે. ડાઇંગ પ્રિન્ટીંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એકાએક આગ ભભૂકી ઉઠતા વિસ્તારની દોડધામ મચી જવા પામી છે.
પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતા ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ડાઇંગ પેઇન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે તે પેટ્રોલીયમ પદાર્થોની તૈયાર થતો હોય છે અને તેના કારણે તે ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ ઉપર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે.
શહેરની વિવિધ ફાયર સ્ટેશોનોની ગાડીઓ પણ હાલ રવાના થઈ ગઈ છે. કંપનીમાં યાર્ન અને અન્ય વસ્તુને ધીરે ધીરે બહાર કાઢવાનું પણ શરૂ કરી દેવાયું હતું. પાંડેસરા જીઆઇડીસીની અંદર ભીષણ આગ લાગતાની સાથે આસપાસના કારખાનામાં કામ કરતા કામદારોને ટોળા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અત્યાર સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આગ લાગવાનું કારણ પણ હજુ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મવાળી ગાડીનો ઉપયોગ કરીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.