હાલોલના રણજિતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થતા 2ના મોત, મુખ્યમંત્રીએ તમામ મદદ પહોંચાડવા કલેક્ટરને તાકિદ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી છે.
પંચમહાલના હાલોલ પાસેના રણજિત નગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે 7થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. કંપનીના સોલવન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થતા જોત-જોતામાં આગ પણ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં આગ પ્રસરતા અફરા તફરી સર્જાઈ હતી. આગ બુઝાવવા ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.
આ બ્લાસ્ટની ઘટનાના પગલે કંપની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. પ્રાથમિક તબક્કે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજું સામે આવ્યું નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ઘટનાને પગલે બે કામદારોના મૃત્યુ થયા છે. અને જે કામદારોને ઇજા પહોંચી છે અને ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા અને સારવારનો પ્રબંધ કરવા સૂચના આપી છે. સીએમએ આ દુર્ઘટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી છે. મુખ્યમંત્રી આ બ્લાસ્ટની દુર્ઘટનાની વધુ વિગતો માટે જિલ્લા કલેક્ટરના સતત સંપર્કમાં છે. ત્યારે હાલ મુખ્યમંત્રીના આદેશ બાદ તમામ કામગીરી સચોટ રીતે કરવામાં આવી રહી છે.