Satya Tv News

દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન કાયદામાં સંશોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ, 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે, તેમના લગ્ન ઉચિત સમયે થાય.

વર્તમાન કાયદા પ્રમાણે દેશમાં વિવાહ માટે પુરૂષોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષની છે. પરંતુ હવે સરકાર બાળ વિવાહ નિષેધ કાયદા, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સંશોધન કરશે. નીતિ આયોગમાં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સે આ માટેની ભલામણ કરી હતી.

નીતિ આયોગના સદસ્ય ડૉક્ટર વીકે પૉલ પણ આ ટાસ્ક ફોર્સના સદસ્ય હતા. તે સિવાય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા તથા બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષા, સ્કુલ શિક્ષા તથા સાક્ષરતા મિશન અને ન્યાય તથા કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સદસ્ય હતા.

ગત વર્ષે જૂન મહિનામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી અને ગત ડિસેમ્બરમાં જ તેણે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. ટાસ્ક ફોર્સના કહેવા પ્રમાણે પહેલા બાળકોને જન્મ આપતી વખતે સ્ત્રીની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નમાં મોડું થાય તેનો પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજીક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.

error: