સુરતમાં સરાજાહેર ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમી દ્વારા કરાયેલી હત્યાના બનાવના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. એના અઠવાડિયામાં જ પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ગાંધીનગરના અમરાપુર નદીના કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ બનાવની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સગીરાના કાકાએ તાત્કાલિક 108ને બોલાવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ છે. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના લીંબોદરા ગામે ધોરણ – 12માં અભ્યાસ કરતી સગીરા શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો શખસ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. બાદમાં સંજયે સગીરાને કહ્યું હતું કે તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી. ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો.
આ બાબતે બન્ને વચ્ચે કોઈ માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો, જેનો પ્રતિકાર કરતાં સંજય ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા, જેને પગલે તેના કાકા પણ કોતરમાં દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને બોલાવી લીધી હતી. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી.
સિવિલનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે પેપર કટર માર્યા બાદ પ્રિયંકાને બચાવવામાં સિવિલના તબીબોને સફળતા મળી છે, પરંતુ ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. ઓપરેશન સમયે ઇએનટી, સર્જરી વિભાગ વિભાગના તબીબોને સાથે રાખવામાં આવ્યા હતા.
યુવતીને બોચીના ભાગે પેપર કટરથી વધારે ઊંડો ઘા થયો હતો. બોચીના ભાગમાં 12X3 સેન્ટિમીટરનો ઘા થયો હતો. ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં એને ખોલતાની સાથે જ લોહીની ધારા વહેવા લાગી હતી. પરિણામે, સીધી ઇએનટીના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી, જ્યાં સફળ સર્જરી કરાઈ હતી.
આ ગંભીર ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે સગીરાના કાકાએ જણાવ્યું હતું કે અમે બે ભાઈ સંયુક્ત કુટુંબમાં રહીએ છે. આજે સગીરા પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. ત્યારે સંજય ઠાકોર મારી ભત્રીજીને મારું નામ લઈને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. બાદમાં તેની સાથે બળજબરી કરી ગળું કાપવા કટર ગળાના ભાગે મારવા લાગ્યો હતો. હાલમાં ભત્રીજીની સારવાર ચાલી રહી હોવાથી તેની વધુ પૂછપરછ કરી નથી. પોલીસ દ્વારા હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સગીરા સાથે બળજબરી કરીને હત્યાનો પ્રયાસ થયો હોવાનું પ્રાથમિક તારણ છે. ગળા પર ગંભીર ઈજાઓ થયા પછી સગીરા નદીના પટમાંથી કોતર તરફ જીવ બચાવવા દોડી હતી, જ્યાં ગ્રામજનો જોઈ જતાં તેના કાકાને બોલાવી લેવાયા હતા. હુમલો કર્યા પછી યુવક તેના કાકાનું બાઈક ઘરે મૂકીને ભાગી ગયો હતો. જેને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં સગીરા ભાગી જવાની જીદ કરતી હતી. એને કારણે બન્ને વચ્ચે માથાકૂટ થતાં તેણે કટરથી ગળા પર હુમલો કર્યો હતો. જોકે તેની આ થિયરી પોલીસના ગળે ઊતરતી ના હોવાથી સગીરા સ્વસ્થ થાય પછી તેની પૂછપરછ કરાશે.
સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો, જેને લઈ યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો. એ બાદ તેણે યુવતીની જાહેરમાં હત્યા કરી નાખી હતી.