યુક્રેન સિવાય સીરિયાના યુદ્ધમાં સામેલ સૈનિકો અને તેમના પરિવારોને પણ લાભ મળશે
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને 10 દિવસ વીતી ગયા છે. આ યુદ્ધમાં બંને દેશો એકબીજાના હજારો સૈનિકો માર્યા ગયાનો દાવો કરી રહ્યા છે. જોકે, માર્યા ગયેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાણવી સરળ નહીં રહેશે તો પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુધ્ધના 11માં દિવસે માર્યા ગયેલા જવાનોના પરિવારો અને ઘાયલ લશ્કરી કર્મચારીઓને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત હેઠળ યુક્રેન સિવાય સીરિયાના યુદ્ધમાં સામેલ સૈનિકો અને તેમના પરિવારોને પણ લાભ મળશે. તેમણે કહ્યું કે યુક્રેન અથવા સીરિયામાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારને 5 મિલિયન રૂબલ (રૂ. 40 લાખ) અને ઘાયલ સૈનિકોને 3 મિલિયન રૂબલ (24 લાખ રૂપિયા) આપવામાં આવશે.
એક અહેવાલ પ્રમાણે રશિયાના સંરક્ષણ મંત્રાલયે પ્રથમ જાનહાનિનો અહેવાલ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનમાં 498 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 1,597થી વધારે ઘાયલ થયા છે. થોડા દિવસ અગાઉ જ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈગોર કોનાશેનકોવએ આ અહેવાલ રજૂ કરતા આશ્વાસન આપ્યું હતું કે, માર્યા ગયેલા લોકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. બીજી તરફ તેમણે દાવો કર્યો છે કે, આ હુમલામાં 2,870થી વધારે યુક્રેની સૈનિકો માર્યા ગયા છે અને 3,700થી વધારે સૈનિકો ઘાયલ થયા છે. જ્યારે 572 અન્યને રશિયનોએ પકડી લીધા છે. બીજી તરફ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે, યુક્રેનની સેનાના દાવા મુજબ, ઓછામાં ઓછા 4,500 રશિયન સૈનિકો માર્યા ગયા છે.