કેસમાં કુલ 190 વિટનેસ, હત્યાકાંડને નજરે જોનારની સોમવારે જુબાની
પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેની કેસ કાર્યવાહીમાં સતત ચોથા દિવસે સાક્ષીઓની જુુબાની લેવાઈ હતી. ચાર દિવસમાં કુલ 58 સાક્ષીઓની સર-ઉલટ તપાસ કરવામાં આવી છે. હવે સોમવારના રોજ સમગ્ર હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા, સરકારી વકીલ તેજસ પંચોલી હાજર રહ્યા હતા. જ્યારે બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે સાક્ષીઓની ઉલટ તપાસ કરી હતી.
પાસોદરામાં એક તરફી પ્રેમમાં આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હત્યા કરી નાંખી હતી. બાદમાં આરોપી ફેનિલની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ફેનિલ સામેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ તેની સામેની કેસ કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. દરમિયાન બચાવ પક્ષની અરજી હતી કે આરોપી ફેનિલ મેન્ટલી અનસાઉન્ડ છે. જો કે, કોર્ટે બચાવપક્ષની આ અરજી નામંજૂર કરી હતી. બાદમાં બચાવ પક્ષે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. આજે ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યુ કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે.