ઓડિશાના વિશ્વવિખ્યાત જગન્નાથ પુરી મંદિરના રસોઈ ઘરમાં માટીના ૪૦ ચુલાની તોડફોડ કરાઈ હોવાનું રવિવારે જણાયું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા રસોઈઘર ‘રોસા-ઘર’માં ભગવાનને ધરાવવામાં આવતો ‘મહાપ્રસાદ’ બનાવવા માટે વપરાતા ચુલાની તોડફોડ કરાઈ છે. આ ઘટનાથી ભક્તોની ભાવનાને ઠેસ પહોંચી છે અને આ ઘટનાએ મંદિરની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે.
જગન્નાથ મંદિરમાં ચૂલા તૂટવાની માહિતી મળતાં જિલ્લા કલેક્ટર સમર્થ વર્માએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે રોસા ઘરના ૪૦ ચુલામાં તોડફોડ કરાઈ છે. આ સંબંધમાં મંદિર મેનેજમેન્ટ અને પોલીસ બંને દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ છે. મંદિરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. તેમણે આશ્વાસન આપ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
રેકોર્ડ્સ ઓફ રાઈટ્સ મુજબ ૧૨મી સદીના આ મંદિરમાં ૨૪૦ ચુલા છે, જેમાંથી ૪૦ને નુકસાન પહોંચાડાયું છે. રસોઈઘરમાં માત્ર રસોઈયાઓને જ પ્રવેશવાની છૂટ હોય છે. તેથી કેટલાક સેવકો આ તોડફોડમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. માનવામાં આવે છે કે શનિવારે સંધ્યા આરતી પછી અને ભગવાનને રાજભોગ ધરાવ્યા પછી આ ઘટના ઘટી હશે. આ ઘટનાએ મંદિરની સુરક્ષા પર પણ સવાલ ઊભા કર્યા છે. ભગવાનનો મહાપ્રસાદ બનાવવા માટે અંદાજે ૪૦૦ રસોઈયા અને ૨૦૦ સહાયકો પ્રત્યક્ષરૂપે કામે લાગે છે. આ ઘટનાને પગલે ભક્તોને મહાપ્રસાદમેળવવા પર અસર થઈ હતી, જોકે, નુકસાનગ્રસ્ત થયેલા ચુલાઓનું બે દિવસમાં સમારકામ કરી લેવાશે. આ તોડફોડમાં માત્ર એક અથવા બે કોઠા ચુલાઓને નુકસાન થયું હોવાથી મંદિરમાં પ્રસાદ બનાવવાની કામગીરીમાં કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. જોકે, સવારે પ્રસાદના વિતરણમાં અડધો કલાકનો વિલંબ થયો હતો.