Satya Tv News

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર તોફાનો અને ધમાલ થઈ હતી જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં સમગ્ર કેસના તાર છેક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોડાયેલા હોવાનું જાણમાં મળ્યું છે.

ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવો એક પૂર્વનિયોજીત કાવતરું હતું જેમાં મૌલવી દ્વારા તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાની પહેલાથી જ ત્રણ મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી નાંખ્યું હતું જેમાં મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન મુખ્ય સૂત્રધાર છે જ્યારે રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા.

તપાસમાં થયેલા ખુલાસા અનુસાર જે દિવસ સરઘસને મંજૂરી મળી હતી ત્યારથી જ આ શખ્સો તમામ પ્લાનિંગ બનાવીને બેઠા હતા અને ખંભાત બહારથી લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા. રવિવારે શોભાયાત્રા હતી જ્યારે આ તત્વો શનિવારે જ રાતે એકત્રિત થઈ ગયા હતા અને પથ્થરો સહિતની વસ્તુઓ ભેગી કરીને રાખી હતી.

મંગળવારે રાત્રે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા અંગે બેઠક મળેલી. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ખંભાતની ઘટનામાં 9 આરોપીઓની ધરપકડ કરી જ્યારે હિંમતનગરની ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને શહેરોની ઘટનાઓ મુદ્દે CMને માહિતી આપવામાં આવ્યા બાદ તેમણે કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે.

error: