Satya Tv News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના પૂર્વ MLA કામિનીબા રાઠોડે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.

આમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નારાજગી યથવાત જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ પક્ષમાં થતી સતત અવગણનાને લઈને કામિનીબા રાઠોડ નારાજ હોવાનું સામે આવ્યું છે. કામિનીબા રાઠોડ કોંગ્રેસ પક્ષમાં નિર્ણયો પૂછ્યા વિના લેવાતા હોવાનો આક્ષેપ કર્યો છે. આથી પક્ષથી નારાજ કામિનીબાએ રઘુ શર્મા અને સી. જે. ચાવડા સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ જીલ્લા કાર્યાલય ખાતે તેમના મનામણાં એક કલાક કરતાં વધુ સમય સુધી ચાલ્યા હતા. બેઠકમાં પાર્ટીમાં અને સંગઠનમાં થતી અવગણનાને લઈ બળાપો ઠાલવ્યા હતો.

જેમાં કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહી આપે રાજીનામું આપી દઈશ.નારાજગી મામલે કોંગ્રેસ અગ્રણી સી.જે ચાવડા સાથે ચર્ચા સકારાત્મક કરી હોવાની વાત કરતાં કહ્યું હતું કે સી જે ચાવડાએ ઉચ્ચ સ્તરે રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ હવે કોંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ધારણ કરશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ આજે સવારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી નારાજ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ઈન્દ્રનીલ રાજગુરુને મનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા જોકે કોઈ પ્રયાસોમાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું લાગી રહ્યું નથી.

આ પહેલા જ્યારે AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે જ ઈન્દ્રનીલ અને વશરામ ભાઈ બંને AAPમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા હતા જોકે તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસો કર્યા હતા અને હોઈ શકે તે નેતાઓનું માન રાખીને જ ઈન્દ્રનીલ રાજગુરુએ તે સમયે AAPમાં જોડાવવાનું સ્થગિત કર્યું હતું.

error: