Satya Tv News

દિવ્યેશ ગાંધીને જન્મજાત અસાધ્ય હિમોફિલિયા હોવાનું જાણવા છતાં મનીષા ગાંધીએ એમની સાથે પ્રેમ લગ્ન કર્યા

અસાધ્ય રોગથી પીડાતા હોવા છતાં બીમારી સામે લડ્યા

દિવ્યેશભાઈ ના પ્રયાસોને પરિણામે જ હિમોફિલિયાની સારવાર રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં સારવાર શરૂ કરાવી

હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. જો આમ થાય તો બિન-આનુસાંગિક ઈજાઓ જીવલેણ બની શકે છે. આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો છે.17મી એપ્રિલનો દિવસ વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે વાત કરવી છે રાજપીપળાના વણિક પરિવારમાં જન્મેલા દિવ્યેશભાઈ ગાંધીની કે જેઓ જન્મજાત હિમોફિલિયા જેવા અસાધ્ય રોગથી પીડાતા હતા. સમગ્ર ગુજરાતમાં હિમોફિલિયાના 800 જેટલા દર્દીઓ છે, જેમાં નર્મદા જિલ્લામાં દિવ્યેશ ગાંધી બાદ બીજા 2 આદિવાસી વિદ્યાર્થીઓને આ રોગ હોવાનું જણાયું. જોકે 2012માં ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલોમાં સરકારી રાહે હિમોફિલિયા રોગની સારવાર ઉપલબ્ધ કરાવવા નિર્ણય તો લીધો પણ પસંદગીની જ સિવિલ હોસ્પિટલોમાં કરવામાં આવે છે.

ગુજરાત સરકારના આ નિર્ણય સામે દિવ્યેશભાઈ ગાંધીએ ગુજરાતની સમગ્ર સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સરકાર સારવાર ઉપલબ્ધ કરાવે એ માટે બીડું ઝડપ્યું. દિવ્યેશભાઈ મનથી એકદમ સશક્ત હતા. એમણે ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પીએમ મોદી સુધી લેખિત રજૂઆતો કરી. આ રોગથી પીડાતા દર્દીઓની વ્યથાઓ વિશે માહિતગાર કર્યા.અંતે એમની રજૂઆતો બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો,આજે દિવ્યેશભાઈના પ્રયાસોને પરિણામે જ આ શક્ય બન્યું છે .તો રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં સારવાર શરૂ કરાવવાનો શ્રેય દિવ્યેશભાઈ ગાંધીને આપવો જ પડે.

હિમોફિલિયા રોગની વાત આવે એટલે રાજપીપળાના પતિ-પત્ની દિવ્યેશ ગાંધી અને મનીષા ગાંધીની પ્રેમકહાણી પણ ગજબની છે..અસાધ્ય રોગથી પીડિત હોવાનું જાણતા હોવા છતાં મનીષાબેને પોતાના એ જ પ્રેમી સાથે લગ્ન કરી જીવનભર સાથ નિભાવવાનો કિસ્સો જવલ્લેજજોવા મળે છે..અને દરેક પળે પતિની સાથે ખડે પગે રહી સેવા કરતી હોવાના કિસ્સા ફક્ત ફિલ્મોમાં જ જોયા હશે પણ રાજપીપળાનો કિસ્સો સૌ માટે પ્રેરણાદાયક બન્યો છે.

દિવ્યેશ ગાંધીને ગામના જ મનીષા ગાંધી સાથે પ્રેમ થયોહતો .દિવ્યેશ ગાંધીને જન્મજાત અસાધ્ય હિમોફિલિયા હોવાનું જાણવા છતાં મનીષા ગાંધીએ એમની સાથે પ્રેમ લગ્ન કર્યા. અને જીવનભર સાથ નિભાવવાના કોલ આપ્યા.હાલમાં પોતાના પતિની સુખ દુઃખની દરેક ક્ષણે સાથે રહી ખડે પગે સેવા કરે છે.શરૂઆતમાં આ રોગની સારવાર ઘણી ખર્ચાળ હતી.જેથી પત્ની મનીષાએ ફોરેસ્ટ વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પતિ દિવ્યેશને આર્થિક મદદ માટે બ્યુટી પાર્લર પણ શરૂ કર્યું.હાલ તેઓ પોતાના એક પુત્ર દેવાંશું સાથે સુખેથી રહી જીવન ગુજારી રહ્યા છે.અને સાથે સાથે મનીષા ગાંધી દર 17મી એપ્રિલે રક્તદાન કરવાનું તો ચુકતા જ નથી. અન્યો માટે પ્રેરણાદાયક બનેલ આ દંપતી ખરેખર પ્રેરક જરૂર કહી શકાય. આ દંપતિએ સાબિત કરીને લોકોને આજના દિવસે મૅસેજ આપતાં જણાવ્યું છે કેહિમોફિલિયાથી ડરવાની જરૂર નથી.યોગ્ય સારવાર મળે તો સાજા થઈ શકાય છે અને ખુશહાલ જિંદગી જીવી શકાય છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: