સુરત: સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે કોર્ટ સજા સંભળાવી શકે છે. આરોપી ફેનિલને સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવશે. મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જેમાં કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ છે. જેથી આજે કોર્ટ આરોપીને સજા સંભળાવી શકે છે. ગઈ મુદ્દતમાં આરોપીના વકીલ હાજર ન રહેતા સુનાવણી ટળી હતી.
સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જો કે આજના કોર્ટના સજાના એલાન પર સૌ કોઈની નજર છે.