ભાગળમાં રહેતી એક પરિણીતા આત્મહત્યા કરવા રાંદેર કોઝ વે પહોંચી હતી. પોલીસને જાણ થતા માત્ર 2 જ મિનિટમાં 3 કિમી અંતર આંતર કાપી કોઝવે પહોંચી ડ્રાયવરે છલાંગ લગાવીને પરિણીતાને બચાવી હતી.
સોમવારે બપોરે 3.51 મિનિટે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે એક મહિલા કોઝ-વે પર છે. તેની માનસિક સ્થિતિ સારી નથી. તે કોઝ- પરથી કુદવાની કોશિષ કરે છે. એટલે કંટ્રોલ રૂમે તત્કાલ રાંદેર પોલીસ સ્ટેશનની પીસીઆર વેન નંબર 51 ને જાણ કરતા વેનના ડ્રાયવર ચુનીલાલ અને ઇન્ચાર્જ હે.કો નિમિષા પટેલ 3 કિમીનું અંતર માત્ર બે મિનિટમાં કાપીને કોઝ-વે પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં મહિલાએ કોઝવેના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. કેટલાક લોકો મહિલાને બચાવવા પાણીમાં કુદ્યા પરંતુ પોલીસને જોઈને તેઓ નીકળી ગયા હતા. ત્યાર બાદ વેનના ડ્રાયવર ચુનીલાલ કોઝ વેમાં કુદ્યા હતા.
ચુનીલાલએ લોકોને મદદ માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ 3 જણાએ પાણીમાં કુદીને ચુનીલાલભાઈ સાથે મહિલાને બહાર કાઢી હતી. મહિલાને રાંદેર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. ભાગળમાં રહેતી 42 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે)ના લગ્નને 19 વર્ષ થઈ ગયા પરંતુ સંતાન નથી. તેથી પરિવારજનો સન્માન નથી આપતા. પોલીસે મોહિનીના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી મોહિની અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કરાયું હતું. ત્યાં પોલીસને જણાયું કે, સંતાન ન હોવા બાબતે મોહિનીમાં કોઈ ખોટ નથી. તેથી પરિવારને સમજાવતા પરિવાર સમજી ગયું અને મોહિનીને સાથે લઈ ગયા હતા.ડીસીપી રાજન સુશરાએ બંને પોલીસ કર્મીને અભિનંદન આપ્યા છે.