દક્ષિણ ગુજરાતમાં 9 હજાર હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું હોવાથી તેનો સર્વે કરી સહાય જાહેર કરવા ઓલપાડ તાલુકા ચોર્યાસી સહકારી ખરીદ વેચાણ સંઘે કલેક્ટરને રજૂઆત કરી છે. છેલ્લાં 2 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં પણ કમૌસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના વિવિધ પાકને નુકસાન થાય છે. ગત વર્ષે વાવાઝોડા અને કમૌસમી વરસાદને કારણે કેરીને નુકસાન થયું છે.દક્ષિણ ગુજરાતમાં અંદાજે 9 હજાર હેક્ટરમાં કેરીનો પાક છે. ગત વર્ષે વાવાઝોડા અને કમૌસમી વરસાદને કારણે આ પાકને નુકસાન થયું છે.
કેરીની સિઝનમાં ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના નુકસાનનું વળતર મળી રહે તે માટે કલેક્ટરને રજૂઆત કરાઈ છે. ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ દેલાડ કહે છે કે, ‘વલસાડ જિલ્લા કલેક્ટરે કેરીના પાકની નુકસાની વિશે સર્વે કરવા માટે આદેશ કર્યો છે. હવે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પણ સર્વે કરીને ખેડૂતોને સહાય કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.’