ભરૂચ નેશનલ હાઇવે તેમજ હાંસોટમાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુર પાસે અજાણ્યા વાહને રાહદારીને અકસ્માત સર્જી મોત નીપજાવ્યું હતું. જેમાં મુળ નેપાળના અને હાલમાં નબીપુર પાસેની ગ્રાન્ટ શિવકૃપા હોટલમાં રહેતાં તોપેન્દ્ર ડાલસિંગ ધરતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બનેવી કરણ સરબેભાઇ બુધા (મુળ રહે. નેપાલ, હાલ રહે. સોમનાથ) સોમનાથથી નોકરી અર્થે નબીપુરની ગ્રાન્ટ શિવકૃપા હોટલ ખાતે આવવા નિકળ્યાં હતાં. તેઓ સવારના સમયે હોટલ સામેના રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે ધસી આવી તેમને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થઇ ગયો હતો.
ઘટનાને લઇને તોપેન્દ્રને જાણ કરવામાં આવતાં તેમણે તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ફરાર વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાંસોટના આંકલવા ગામે ઓએનજીસી વેલ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું હતું. હાંસોટ તાલુકાના આંકલવા ગામે રહેતાં સમસુલ મન્જુર આલમ હક તેમજ જહાંગીર નૈયમુલઅલી આલમ બન્ને બાઇક પર કામ અર્થે સાહોલ ગામ તરફ જઇ રહ્યાં હતાં. તે વેળાં ઓએનજીસી વેલના ગેટ પાસે ટ્રેક્ટર ચાલકે પુરઝડપ ધસી આવી તેમની બાઇકને ટક્કર મારતાં સમુલ મન્જુર આલમ હકનું મોત નિપજયું હતું.