Satya Tv News

આજથી બરાબર છ મહિના પહેલાં વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી નવસારીની યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીના શંકાસ્પદ મોત મામલે તેનાં માતા આજે છ મહિના બાદ પણ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. એવામાં મૃતક યુવતીના ફોનમાંથી એક કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે, જેમાં તે નોકરી માટે એક સંસ્થા સાથે વાત કરી રહી છે. આ રેકોર્ડિંગ બાદ મૃતકનાં માતાએ સવાલ ઉઠાવ્યો છે કે જે યુવતી દિવસે નોકરી માટે વાત કરતી હોય તે રાત્રિના સમયે આત્મહત્યા કઈ રીતે કરી શકે?

નવસારીની યુવતી વડોદરાની ઓએસિસ સંસ્થામાં ફેલોશિપનો અભ્યાસ કરી રહી હતી. ત્યારે તેની સાથે 29મી ઓકટોબરે વડોદરામાં કંઈ અજુગતી ઘટના બને છે અને ત્યાર બાદ તે 31મી ઓક્ટોબર ઘરે પરત ફરે છે. ત્યાર બાદ 3જી નવેમ્બરે બપોરે સુરત કોઈ કામ અર્થે જાય છે અને ત્યાંથી કોઈ પ્રાઈવેટ કંપની નોકરી મેળવવા માટે ફોન કરે છે અને એ જ રાત્રિએ તેનું ભેદી સંજોગોમાં મોત થાય છે અને આ સમગ્ર મામલે વડોદરા, વલસાડ, અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ મોટી તપાસ એજન્સીઓ તેની આત્મહત્યા કે હત્યાની તપાસમાં જોતરાય છે છતાં પણ 6 મહિના બાદ પણ પોલીસના હાથ ખાલીના ખાલી જ છે.

3જી નવેમ્બરે યુવતી પાસે તેના ભાઈનો મોબાઈલ હતો એની તપાસ પોલીસે કરી હતી, પરંતુ હવે આ સમગ્ર ઘટનાને સમય વીતતાં પોલીસે યુવતીના ભાઇનો મોબાઈલ પરિવારને પરત આપ્યો છે. ત્યારે એ મોબાઈલમાંથી મૃતક યુવતીના કેટલાક કોલ રેકોર્ડ મળી આવ્યા છે, જેમાં તે 3જી નવેમ્બરે સાંજે સંભવિત એ સુરત રેલવે સ્ટેશન પરથી કોઈ કંપનીને નોકરી મેળવવા માટે ફોન કરે છે અને વાતચીત દરમિયાન નક્કી થાય છે કે 5મી નવેમ્બર તે ઇન્ટરવ્યુ આપવા માટે આવશે. જો યુવતી નોકરી મેળવવા માટે ઉત્સુક હતી તો એ જ રાત્રિએ તેણે કઈ રીતે આત્મહત્યા કરી એ અંગે પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે અને પરિવાર પણ આ મામલે હત્યા થઇ હોવાનું દૃઢપૂર્વક માની રહ્યો છે.

સાથે જ યુવતીની માતા ઓએસિસી સંસ્થામાં મૃતક યુવતી સાથે કામ કરતી સહકર્મીઓ પણ મૃતક યુવતીના સમાચાર જાણીને ચોંકતા નથી અને ફોન પર કરેલી વાતચીતમાં એકદમ સહજ ભાવે વાતચીત કરતી હોય એમ ધ્યાનમાં આવે છે. સામાન્ય રીતે કોઇ મિત્ર કે સહકર્મી મૃત્યુ પામે તો સાહજિક રીતે કોઈપણ વ્યક્તિ ચોંકી જાય છે અને ફોન પર દુઃખ વ્યક્ત કરે છે, પરંતુ યુવતીની માતા જ્યારે પોલીસની હાજરીમાં પોતાની દીકરીના સહકર્મીઓને તેના મોતના સમાચાર સંભળાવે છે ત્યારે નહોતો કોઈ પ્રત્યુત્તર આવે છે ન કોઈ પ્રતિક્રિયા આપે છે, માત્ર ઠીક છે કહીને કર્મીઓ ફોન કાપી નાખે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ઓએસિસ સંસ્થા સામે શંકાની સોય અનેકવાર ટાંકવામાં આવી હોવા છતાં પણ છ મહિનાનો સમય વીતવા છતાં સંસ્થા સામે કોઈપણ કાર્યવાહી કરવામાં નથી આવી એવી વાત યુવતીની માતા કહી રહી છે.

error: