પાકિસ્તાનમાં બાળકીઓનું અપહરણ અને જબરદસ્તી લગ્ન કરાવવાની ધમકીઓથી પરેશાન થઈને એક પરિવાર પાકિસ્તાનથી ભાગીને ભારત આવી ગયો છે. પાકિસ્તાનમાં હાલત એટલી ગંભીર થઈ ગઈ છે કે આ પરિવાર વિઝા વગર ભાગીને ભારત આવી ગયો છે. આ 10 લોકોનો પરિવાર છેલ્લા 25-30 દિવસથી રાજસ્થાનના બાડમેરમાં તેમના સંબંધીના ઘરે રહે છે. આ પરિવારે પાકિસ્તાનની જે હાલત જણાવી એ આશ્ચર્યજનક છે. પરિવારે કહ્યું, ત્યાં રોજ બાળકીઓને ઉઠાવીને લઈ જવાની ધમકી મળે છે. રોજ મારઝૂડ અને શોષણની ઘટનાઓ બને છે, એને કારણે અમે ખૂબ પરેશાન હતા.ઘરમાં દીકરીઓ હોવાથી ખૂબ ડર લાગતો હતો.
આ પરિવારના રાજેશ મેઘવાલ તેમના બે દીકરા, પરિવારની મહિલાઓ અને બાળકીઓ સાથે પાકિસ્તાનથી દુબઈ પહોંચ્યા હતા. ત્યાર પછી નેપાળ થઈને ભારતમાં પ્રવેશ કર્યો હતો. ભારતમાં લખનઉ થઈને જોધપુરના રસ્તે પહોંચ્યા હતા. જોધપુરના સાલુડી ગામમાં અંદાજે 10 દિવસ સુધી સંબંધીઓનાં ઘરે રહ્યા હતા. જોધપુરથી 16 એપ્રિલે આ પરિવાર બાડમેરના રોહિલા ગામ પહોંચ્યો અને ત્યાં તેમના સંબંધીઓના ઘરે રહે છે.
મળેલી માહિતી પ્રમાણે, વિવિધ સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાન પરિવારના સભ્યોની પૂછપરછ કરી છે. તેમનો સામાન પણ તપાસવામાં આવ્યો છે. પરિવારે જોધપુર અને બાડમેરની સીઆઈડી ઓફિસમાં હાજર થઈને ભારતમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સીઆઈડી ઓફિસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને માર્ગદર્શન માગ્યું છે. જોકે હજી મંત્રાલય તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
પરિવારે જોધપુર અને બાડમેર CID સામે રજૂ થઈને ભારતમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સીઆઈડી ઓફિસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ વિશે માર્ગદર્શન માગ્યું છે. એસપી દીપક ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, બાડમેર પોલીસને કોઈ દસ્તાવેજ કે માહિતી મળી નથી. આ પરિવાર વિઝા વગર ભારતમાં રહે છે. આ પરિવારે દુબઈ અને નેપાળમાં વિઝા એપ્લાય કર્યા હતા, પરંતુ ના મળ્યા. જોધપુર અને બાડમેરમાં સીઆઈડી સામે રજૂ થયા. વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસ કરી, પરંતુ અત્યારસુધીમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
ભારત-પાકના ભાગલા પહેલાં રાજેશના માતા-પિતા કામ માટે સિંધ ગયાં હતાં. આ દરમિયાન જ ભારત-પાકિસ્તાનના ભાગલા થયા હતા. ત્યારથી તેઓ પાકિસ્તાનના મીરપુર ખાસ વિસ્તારમાં જ રહે છે. પરિવારના બાકીના સભ્યો બાડમેર જિલ્લાના ધોરીમન્ના વિસ્તારના રોહિલા ગામમાં રહે છે. પાકિસ્તાનના ત્રાસથી ઘણા સમયથી ભારત આવવા માગતા હતા. ઘણા સમયથી વિઝાનો પ્રયત્ન કરતા હતા. પાકિસ્તાનથી તેમને ભારત આવવાના વિઝા ના મળતાં તેમણે નેપાળ થઈને ભારતમાં પ્રવેશ લીધો હતો.