સુરતના પુણામાંથી 18.26 લાખ રૂપિયાની કિંમતનો માલ લઇ સચિનની કંપનીમાં ટ્રાન્સ્પોર્ટ કરવાને બદલે ડ્રાઈવરે જ બારોબાર સગેવગે કરી દીધો હતો.માલ સગેવગે કર્યા બાદ કડોદરા ચાર રસ્તા પાસે ટ્રક મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. લાંબા સમય સુધી ટ્રક સચિનની કંપની સુધી નહીં પહોંચતા આ ભોપાળુ બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે ટ્રાન્સપોર્ટના મેનેજરની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના પુણા ગામમાં આવેલી ટ્રાન્સ્પોર્ટ કંપનીમાંથી ઇકોમ એક્સપ્રેસ કંપનીમાંથી 18.26 લાખ રૂપિયાનો સામાન સચિનની કંપનીમાં એક ટ્રાન્સ્પોર્ટ માટે મોકલવાનો હતો. પુણાગામમાં ગોડાઉનમાં ટ્રકમાં સમાન લોડ થઇ ગયા બાદ ટ્રક ડ્રાઈવર ટ્રક લઇને નીકળ્યો હતો. ડ્રાઈવર ટ્રક લઇને બપોરે બે વાગ્યે નીકળ્યા બાદ રાત થઇ જવા સુધી સચિનની જે કંપનીમાં પહોંચાડવનો હતો ત્યાં લઇને પહોંચ્યો ન હતો.
માલ નહીં પહોંચતા સચિનની કંપની દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં જીપીએસ સિસ્ટમ લાગેલી હોવાથી કંપની દ્વારા ટ્રકનું લોકેશન ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રક કડોદરા ચાર રસ્તા પાસે મળી આવી હતી. ત્યાં જઇને તપાસ કરતા ટ્રકમાં 18.26 લાખનો સામાન ન હતો અને ડ્રાઈવર ગાયબ હતો. આ ઘટનાને પગલે કંપનીના મેનેજર માલ સગેવગે કરનાર ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.