નવા વાડજ વિસ્તારમાં દૂધ લેવા નીકળેલી સગીરાનો ગુરુવારે બપોરે હાથ પકડી યુવકે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. પુત્રીની બુમો સાંભળી દોડી આવેલા પિતાને પણ શખ્સે અપશબ્દો બોલી ધમકી આપી કે, તારી છોકરીને હું મારી પત્ની બનાવીને રહીશ, તું મારું કશું બગાડી નહી શકે. વાડજ પોલીસે પોકસો એકટ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નવાવાડજ વિસ્તારમાં રહેતી સગીરા ગુરૂવારે બપોરે તેના ઘરેથી બહાર નીકળી હતી. દૂધ લેવા નીકળેલી સગીરાનો આરોપી મુન્નાએ બળજબરીથી જાહેરમાં હાથ પકડી પ્રેમસબંધ રાખવા દબાણ શરૂ કર્યું હતું. જાહેર રોડ પર બનેલી આ ઘટના અંગે સગીરાની મદદે કોઈ આવ્યું નહી પણ પુત્રીની બુમો સાંભળી પિતા દોડી આવ્યા હતા. આરોપીએ સગીરાના પિતાને પણ અપશબ્દો બોલી ધમકી આપી હતી. આરોપી સ્થળ પરથી ધમકી આપી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એલ.વડુકરે જણાવ્યું હતું કે,બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપી હજુ સુધી પકડાયો નથી.