અમેરિકા અને ભારતની નિકટતા વધી રહી છે અને તેના પૂરાવા બંને દેશો વચ્ચેના વેપારના આંકડા પરથી મળી રહ્યા છે.
2021-22માં બંને દેશો વચ્ચેના વેપારે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.સરકારના વાણિજ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે અમેરિકા ભારતનુ સૌથી મોટુ બિઝનેસ પાર્ટનર બની ગયુ છે અને આ મામલામાં ચીનને પછડાટ આપી છે.
આંકડા પ્રમાણે 2021-22માં અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વધીને 119.42 અબજ ડોલર થઈ ગયો છે.2020-21માં આ આંકડો 80.51 અબજ ડોલર હતો.
2021-22માં ભારત દ્વારા અમેરિકામાં થતી નિકાસ વધીને 76.11 અબજ ડોલર થઈ છે.જે તેના પહેલાના વર્ષમાં 51.62 અબજ ડોલ હતી.આ દરમિયાન ભારત દ્વારા અમેરિકાથી થતી આયાત વધીને 43.31 અબજ ડોલર થઈ છે.જે 2020-21ના વર્ષમાં 29 અબજ ડોલર હતી.
આંકડા પ્રમાણે ભારત અને ચીન વચ્ચે 2021-22માં 115.42 અબજ ડોલરનો વેપાર થયો હતો.જે 2020-21માં 86.4 અબજ ડોલર હતો.ભારત દ્વારા ચીનમાં થતી નિકાસમાં મામૂલી વધારો થયો છે.ભારતે ચીનમાં 21.15 અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કરી છે.જે 2020-21માં 21.18 અબજ ડોલર હતી.
દરમિયાન ભારતે ચીન પાસેથી કરેલી આયાત વધીને 94.16 અબજ ડોલર થઈ છે.જે 2020-21માં 65.21 અબજ ડોલર હતી.ભારત અને ચીન વચ્ચેની વેપાર ખાધ વધીને 72.19 અબજ ડોલર થઈ છે.જે અગાઉના વર્ષમાં 44 અબજ ડોલર હતી.