Satya Tv News

સાસણ પંથકની 29 હોટલ-રિસોર્ટમાં 30થી વધુ ટીમના દરોડા; 2017થી અત્યારસુધીના રેકોર્ડ તપાસાયા

ગીર જંગલમાં એશિયાટિક સિંહોને લીધે વિશ્વભરમાં પ્રવાસનક્ષેત્રે ચમકી રહેલા સાસણ (ગીર) અને આસપાસનાં ગામોમાં પથરાયેલ હોટલો અને રીસોર્ટમાં શનિવારથી જીએસટીની ટીમોએ દરોડા પાડી સર્ચ શરૂ કરતા હોટલ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો છે. હાલ ઉનાળુ વેકેશનના લીધે સાસણની તમામ હોટલો, રીસોર્ટ, ફાર્મ હાઉસો પ્રવાસીઓથી ફૂલ હોય. તેવા સમયે જીએસટી ટીમોએ ટેક્સ ચોરી બહાર લાવવા કામગીરી હાથ ધરતા પ્રવાસીઓને પણ અગવડતા પડી રહી છે.

સાસણ અને આસપાસનાં પાંચ ગામો ભાલછેલ, ભોજદે, હરીપુર, ચીત્રોડ, હીરણવેલમાં પથરાયેલી ખ્યાતનામ હોટલો અને રિસોર્ટમાં શનિવારે જીએસટીની ત્રીસ જેટલી ટીમો ત્રાટકી હતી. 2017થી જીએસટી લાગુ કરાયો ત્યારથી લઈ અત્યાર સુધીના તમામ રેકર્ડ ટીમો ચેક કરવા લાગી હોય ચોવીસ કલાકથી ટેક્સચોરીની તપાસ ચાલુ છે. જીએસટીની રાજકોટ વીંગનાં અધિકારી પઠાણના માગદર્શન હેઠળ નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ ટીમો તપાસ કરી રહી છે. અને હોટલ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં ટેક્સચોરી બહાર આવે એવી સંભાવના છે.

સાસણ ખાતે સિંહ દર્શન કરવા હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય તમામ હોટલ, રીસોર્ટ ફુલ છે. ગઈકાલે સાસણમાં એકપણ હોટલ કે ફાર્મ હાઉસમાં જગ્યા મળતી ન હોતી. તેવા સમયે જીએસટીની ટીમોના દરોડાથી હોટલ સંચાલકો સાથે પ્રવાસીઓ પણ અગવડતા અનુભવી રહ્યાં છે.

નેતા અને બિલ્ડરની હોટલમાં કોઈ કાર્યવાહી ન થતાં ચર્ચા
સાસણમાં અસંખ્ય હોટલો છે, પરંતુ કાયદેસર માન્યતા પ્રાપ્ત 32 હોટલોમાંથી 29 હોટલોમાં જીએસટીની ટીમોએ દરોડા પાડ્યા. બાકીની ત્રણ હોટલો જેમાં હોટલ એસોસિએશનનાં જવાબદાર પદાધિકારીની અને રાજકોટનાં અગ્રણી બિલ્ડર ઉપરાંત ભાજપના જવાબદાર નેતાની હોટલોને ચેકીંગથી બહાર રાખાતા રોષ ફાટી નિકળ્યો છે.

સાસણ અને આસપાસનાં ગામોમાં 250 થી વધુ ફાર્મ હાઉસો ચાલે છે. જેમાં ઓછા રોકાણથી ધંધો ચાલે છે.અને ભાડાની આવક જોરદાર રખાતી હોય સરકારનાં ચોપડે નહીવત ટેક્સ ભરાય છે. ત્યારે જીએસટી ટીમોની તપાસ કેટલે સુધી લંબાઈ છે. તેના ઉપર લોકોની મીટ મંડાયેલી છે.

error: