Satya Tv News

અપ અને ડાઉનની 5 ટ્રેનોને અંકલેશ્વર, પાનોલી, કોસંબા, સાયણ સ્ટેશને 3 કલાક 20 મિનિટ સુધી રોકી

ગુડ્ઝ ટ્રેન ડાઉન લાઈનમાંથી પસાર થતી વેળા 25000 વોટનો કેબલ તૂટી પડતા પાવર ફેઈલ થયો

ભરૂચ રેલવે સેક્શનમાં આકરી ગરમીના કારણે OHE કેબલ તૂટવાની એક મહિનામાં ત્રીજી ઘટના

ભરૂચ રેલવે સેક્શનમાં બુધવારે ત્રીજી વખત આકરી ગરમીમાં રેલવેનો ઓવરહેડ વાયર બ્રેક થયો હતો. પાનોલી રેલવે સ્ટેશને ડાઉન લાઈનનો OHE કેબલ તૂટી પડતા ટ્રેન વ્યવહાર 2 કલાક સુધી અસરગ્રસ્ત થવા સાથે 5 ટ્રેનોને 4 સ્ટેશનો ઉપર સવા 3 કલાક સુધી થોભાવી દેવાની રેલવેને ફરજ પડી હતી.

પાનોલી રેલવે સ્ટેશને મુંબઈ-અમદાવાદ મુખ્ય ડાઉન લાઈનનો 25000 વોટનો ઓવરહેડ કેબલ તૂટી જતા સવારે 10 કલાક અને 20 મિનિટથી ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.અપલાઈન સુરક્ષિત રહી હતી. રેલવે તંત્રે ઓ.એચ.ઇ. વાન અને સ્ટાફ દોડાવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. આખરે 2 કલાકની જહેમત બાદ ડાઉન લાઈનનો કેબલ દુરસ્ત કરાયો હતો.

જે દરમિયાન બિકાનેર-યશવંતપુર, ગંગાનગર- કોચુવલી, વિરાર-ભરૂચ અને સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ ટ્રેન અંકલેશ્વર, પાનોલી અને સાયણ સ્ટેશન ઉપર 3 કલાક અને 20 મીનિટ અટકાવી રખાઈ હતી.જ્યારે ગુજરાત એકસપ્રેસ ટ્રેનને કોસંબા સ્ટેશને કલાકો સુધી અટકાવી દેવામાં આવી હતી. માલગાડી પસાર થતી વેળા તેના પેન્ટાગોનના કારણે 25000વોટનો OHE કેબલ તૂટીને ગુડ્ઝ ટ્રેનના એન્જીન ઉપર પડ્યો હતો. જેના કારણે મુખ્ય મુંબઈ અમદાવાદ ડાઉન લાઈનનો પાવર બંધ થઈ જતા ટ્રેન સેવા ડાઉનમાં બે કલાક સુધી સદંતર ઠપ રહી હતી.

વીડિયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: