Satya Tv News

નૂપુર શર્માની ઝાટકણી કાઢનારા સુપ્રીમકોર્ટના જજની સોશિયલ મીડિયા પર લગામ મુકવાની સલાહ

દેશમાં હિંસા ફેલાઈ તે માટે ‘નૂપુર શર્માની જીભ લપસી’ તેને જવાબદાર ગણનારા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ રવિવારે સોશિયલ મીડિયામાં ચાલતી ટિપ્પણીઓને આડે હાથ લીધી. તેમણે સરકારને અપીલ કરી કે, હવે સંસદે ડિજિટલ અને સોશિયલ મીડિયા પર લગામ મૂકવા કાયદો લાવવો જોઈએ. ચેક એન્ડ બેલેન્સ ખૂબ જ જરૂરી છે. અર્ધસત્ય અને અધકચરી માહિતી રાખનારા તેમજ કાયદાના શાસન, પુરાવા, ન્યાયિક પ્રક્રિયા, મર્યાદાઓને નહીં સમજનારા લોકોએ સોશિયલ મીડિયા પર કબજો કરી લીધો છે. કોર્ટની ટીકા સ્વીકાર્ય છે, પરંતુ ન્યાયાધીશો પર અંગત હુમલા સહન નહીં કરી શકાય.

‘વૉક્સ પાપુલી એ શબ્દ છે, જેનો ઉપયોગ સૌથી પહેલા કેન્ટબરીના એક અંગ્રેજી પાદરીએ રાજા એડવર્ડ દ્વિતીય વિરુદ્ધ કર્યો હતો. તે પાદરી રાજાને સિંહાસન પરથી હટાવવા માગતો હતો. આમ આ શબ્દનો ઉપયોગ શરૂઆતમાં નકારાત્મક હેતુથી થયો હતો. હકીકતમાં કાયદાના શાસનમાં લોકોની ઈચ્છાઓ સાથે સંતુલન સાધવું ખૂબ જ મુશ્કેલ છે. મોટા ભાગના જજ ચુકાદો લખતી વખતે વિચારે છે કે, લોકો શું કહેશે? આ રીતે વિચારવાથી સામાજિક દુષ્પરિણામો સામે આવે છે. ભારતના લોકતંત્રની સૌથી મોટી ખાસિયત જ કાયદાનું શાસન છે.

કાયદો શાસન માટે ખૂબ જરૂરી છે. જુઓ, જે દેશોમાં સરમુખત્યારશાહી છે અને જ્યાં સંસદનું શાસન નથી ચાલતું, ત્યાં પણ કાયદાનું શાસન તો છે જ. એક સરમુખત્યાર સરકાર પણ દાવો કરી શકે છે કે, તે કાયદા થકી શાસન કરે છે. આ સ્થિતિમાં ભારતમાં કાયદાના શાસનની સમીક્ષા સતર્કતાથી થવી જોઈએ. લોકો વચ્ચે કોઈ પણ મુદ્દે ચર્ચાવિમર્શ થાય છે. ધારાસભાઓમાં પણ ચર્ચા થયા છે. દરેક દેશના કાયદા જુદા છે.

બ્રિટનમાં સંસદની સંપ્રભુતા સર્વોચ્ચ છે, પરંતુ ભારતમાં ધારાસભાઓના નિર્ણયને પણ અદાલતોમાં પડકારી શકાય છે. ભારતમાં અદાલતો પાસે શક્તિ છે કે, તેઓ કાયદાની પણ કાયદેસરતા મુદ્દે ચુકાદો આપી શકે. ન્યાયતંત્રના નિર્ણયો પર લોકોની સલાહની અસર ના પડવી જોઈએ. લોકતંત્રમાં આપણે અદાલતોના નિર્ણયો માનીએ છીએ. તેનો અર્થ એ નથી કે, તેઓ હંમેશા સાચા હોય છે, પરંતુ આપણે તે સ્વીકારીએ છીએ. દેશમાં આઝાદી પછી જ્યૂરી સિસ્ટમ ખતમ કરી દેવાઈ. તેનું કારણ એ હતું કે, તેમાં બહુમતીની વાત સ્વીકારી લેવાતી હતી. એ જરૂરી નથી કે, બહુમતીની સલાહ જ ન્યાય હોય.

કોઈ પણ ગંભીર મુદ્દાની સુનાવણી અદાલતમાં થવી જોઈએ, પરંતુ આજકાલ એવું જોવાય છે કે, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા જ વિવિધ ઘટનાઓની ટ્રાયલ શરૂ કરી દે છે. આ તો ન્યાયતંત્રમાં અયોગ્ય હસ્તક્ષેપ છે. લક્ષ્મણ રેખા ઓળંગવા જેવું છે. આ જ અધકચરી માહિતી વધુ સમસ્યાઓ સર્જે છે. સોશિયલ મીડિયામાં જજમેન્ટની ટીકાના બદલે જજોની વ્યક્તિગત ટીકા થાય છે, જેનાથી ન્યાયતંત્રને નુકસાન પહોંચે છે. દેશની સંસદે કોઈ પણ સંવેદનશીલ મુદ્દાની સુનાવણી વખતે સોશિયલ મીડિયામાં ચાલતી ટિપ્પણીઓને કાબુમાં રાખવા પગલાં લેવા જોઈએ.’- જસ્ટિસ પારડીવાલા

error: