Satya Tv News

રાજકોટ શહેરમાં સોમવારે નવા 8 કેસ નોંધાયા છે. તેમજ 4 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી 61 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63921 પર પહોંચી છે. 8 કેસમાં 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 20 દિવસ બાદ રવિવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.

મનપાના જણાવ્યા અનુસાર જે નવા કેસ આવ્યા છે જેમાં પેલેસ રોડ પર રહેતા 7 વર્ષના બાળક અને ડ્રીમ સિટીમાં રહેતા પ્રૌઢને અગાઉ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યાનું નોંધાયું છે. વોર્ડ નં.13માં હરિદ્વારપાર્કમાં રહેતા 55 વર્ષીય પ્રૌઢ હરિદ્વાર ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી કે કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી.

રાજ્યમાં હાલ સૌથી વધારે કેસ અમદાવાદમાંથી આવી રહ્યા છે અને શનિવારે ત્યાંથી જ આવેલા એક 45 વર્ષીય યુવાન કે જે મોચીનગરમાં રહે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સંભવત: અમદાવાદથી આવેલા હોય તેવા જૂજ કેસ અત્યાર સુધીમાં આવ્યા છે અને આ કેસ કેટલા ચેપી છે અને વેરિયન્ટ અલગ છે કે પછી એ જ રહ્યો છે તેને લઈને આરોગ્ય તંત્રમાં તપાસ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં જે પણ કેસ આવ્યા તેમાંથી અમુક કેસના સેમ્પલ વાયરોલોજી સ્ટડી માટે મોકલી વેરિયન્ટ જાણવા પ્રયત્ન કરાયો છે જોકે હજુ સુધી તેમાંથી એકપણના પરિણામ આવ્યા નથી.

બીજી તરફ શનિવારે એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું નોંધાયું છે તેથી તેમના પરિવાર કે સ્નેહીજનોમાંથી ચેપ લાગ્યો છે. આ સિવાય માધાપર ચોકડી પાસેથી બે કેસ મળ્યા છે. રાજકોટ શહેરમાં હજુ પણ કેસની સંખ્યા એક દિવસ વધુ તો એક દિવસ ઓછી એ રીતે આવી રહી છે તેથી ખરેખર ચોથી લહેર છે કે પછી કોઇ ચોક્કસ સ્થળે જ ચેપ વકરે છે તે હજુ પુરવાર થઈ શક્યું નથી.

error: