Satya Tv News

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવાને બદલે ધીરે-ધીરે વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 6603 લોકોને કોરોના ભરડામાં લઈ ચૂક્યો છે. ત્યારે આજે ફરી ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના 13 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલે ધરખમ વધારો જોવા મળ્યો હતો. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 665 નવા કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. જેની સામે 536 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા હતા. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3724 એ પહોંચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 3 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. જો કે, રાહતની વાત એ છે કે ગઇકાલે કોરોનાના લીધે કોઈ પણ દર્દીએ જીવ નથી ગુમાવ્યો. મહત્વનું છે કે સોમવારે કોરોનાના 419 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મંગળવારે 572 કેસ નોંધાયા હતા.

જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 252 કેસ, સુરત કોર્પોરેશનમાં 84, વડોદરા કોર્પોરેશનમાં 56, ભાવનગર કોર્પોરેશનમાં 24, જામનગર કોર્પોરેશનમાં 06, ગાંધીનગર કોર્પોરેશનમાં 45 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 05 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

ચિંતાની વાત એ છે કે 22 જુનથી 5 જુલાઇ સુધીમાં 6603 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 534 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યાં છે.અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં ગઇકાલે કુલ 55,091 નાગરિકોના રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.16 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.81 ટકા પહોંચ્યો છે

error: