ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને દ્રારકા સહિતના વિસ્તારોના ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય એવું લાગી રહ્યું છે. બીજી બાજુ નવસારી અને વલસાડના વિસ્તારો પણ પાણીથી જળબંબાકાર થઇ ગયા છે. ત્યારે આજે રાજ્યના કયા-કયા વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે તે વિગતવાર જોઇશું.
ભારે વરસાદના કારણે ગીર-સોમનાથના ખેરા ગામનો પુલ તૂટ્યો. ગામ અને સીમ વિસ્તારને જોડતો આ પુલ 2021માં જ બનાવાયો હતો. જો કે, પુલ તૂટતા સ્થાનિકોને ભારે હાલાકી થઇ રહી છે.
બીજી બાજુ જામનગર જિલ્લાનો કાલાવડ તાલુકાનો ઉંડ ત્રણ ડેમ ઓવરફ્લો થતા કાલાવડ તાલુકાના રાજસ્થળી, ખીજડિયા, જસાપર સહિતના ગામડાઓને એલર્ટ કરાયા છે. મહત્વનું છે કે,જામનગરમાં આવતીકાલે બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે ફાયર વિભાગ સજ્જ બની ગયું છે. જણાવી દઇએ કે, હવામાન વિભાગ દ્વારા તારીખ 9 અને 10ના રોજ જામનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. મનપાના ફાયર વિભાગે કોઈ પણ આપદાને પહોંચી વળવા માટે અનેક સાધનો સજ્જ કર્યા છે. રેસ્ક્યુ બોટ સહિતના સાધનો સાથે લોકોની મદદે પહોંચવા માટે મનપા ફાયર વિભાગ ખડેપગે ઉભું રહ્યું છે.