ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. ત્યારે તારીખ 22-23ના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાત આવશે. અહીં ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે બે દિવસના વર્કશોપનું આયોજન કરાયું છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ બે દિવસીય બેઠક યોજાશે. જેમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ તેમજ ઈવીએમ ફર્સ્ટ લેવલ ચેકિંગને લઈને વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં નવેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. ત્યારે 22 જુલાઈના રોજ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરીને લઇને ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો છે. જેમાં 32 જિલ્લા કલેક્ટરો અને નાયબ જિલ્લા અધિકારીઓ અને EVM સપ્લાય કરતી અન્ય એજન્સીના ઇજનેરોની ટીમ હાજર રહેશે.
ઓગષ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી અથવા તો બીજા સપ્તાહથી EVM, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વી.વી. પેટના ફર્સ્ટ લેવલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને ઓગષ્ટના અંત સુધીમાં સંપન્ન કરી દેવામાં આવે તેવાં સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યાં છે. મળતી વિગતો મુજબ, રાજ્યની વિધાનસભા માટે રાજ્યભરમાં 56 હજારથી વધુ મતદાન મથકો આવેલા છે. એટલે ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહથી સપ્ટેમ્બરમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ યોજાઇ શકે છે તેવાં સંકેતો પંચના વિશ્વસનીય સૂત્રો તરફથી મળી રહ્યાં છે.