ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝણોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. તે વેળાં ત્રણ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ તુરંત બસ સ્થળ પર ઉભી કરાવી દેવા સાથે ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે આવેલી નર્મદા હાઇસ્કૂલમાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતાં હોય છે.
જેઓ તેમના ગામથી શાળાએ આવવા અને પરત જવા માટે સામાન્યત: એસટી બસનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે શુક્રવારે સાંજના સમયે નર્મદા હાઇસ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતાં આકાશ ગિરીષ પટેલ રહે. ધર્મશાળા તેમજ સુમિત રમેશ માછીપટેલ અને રિંન્કેશ વિનોદ માછીપટેલ બન્ને રહે, અંગારેશ્વર નાઓ શાળા છુટ્યાં બાદ પોતાના ગામ જવા માટે ભરૂચ – ઝણોર એસટી બસમાં બેસવાની ફિરાકમાં હતાં.