Satya Tv News

પરિવારના આક્ષેપ બાદ લાશ PM માટે મોકલાઈ

સિંગણપોર હેલ્થ સેન્ટરમાં ડોક્ટરની ગેરહાજરીમાં નર્સ દ્વારા પ્રસૂતિ કરાવ્યા બાદ પ્રસૂતાનું મોત નિપજતા પરિવારે હેલ્થ સેન્ટરના ડોકટર અને નર્સની બેદરકારીથી પ્રસુતાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અમરેલીના તાતણીયા ગામના વતની અને કતારગામ બાપાસીતારામ ચોક પાસે નંદનવન સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ પાંડવ રત્નકલાકાર છે.

તેમની સગર્ભા પત્ની તનવી(29)ને રવિવારે પ્રસવ પીડા ઉપડી હતી. જેથી તન્વીને સિંગણપોર હેલ્થ સેન્ટરમાં લાવ્યા હતા. જ્યાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. જોકે પ્રસૂતિ બાદ તન્વીની તબિયત લથડી હતી. જેથી તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયુંં હતું.

પતિ જીજ્ઞેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે, હેલ્થ સેન્ટરમાં કોઈ ડોક્ટર હાજર ન હતા અને નર્સ દ્વારા પ્રસૂતિ કરાઈ હતી. પ્રસુતી બાદ તન્વીની તબિયત લથડવા લાગી ત્યારે જીજ્ઞેશભાઈએ તેમને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવા માટે નર્સને કહ્યું હતું. તન્વીની હાલત ગંભીર થયા બાદ નર્સ દ્વારા ડોક્ટરને જાણ કરાઈ હતી. ડોક્ટર જ્યાં સુધી હેલ્થ સેન્ટર પર ન આવે ત્યાં સુધી રાહ જોઈ હતી.

ડોક્ટર આવ્યા બાદ તેણે 108 એમ્બ્યુલન્સ બોલાવી તન્વીબેનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પરિવારના આક્ષેપ અને તબીબ સહિતના સ્ટાફ સામે કાર્યવાહીની માંગને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તન્વીબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે

error: