Satya Tv News

હાલ કુલ 5,790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.5,986 કરોડના કામો પ્રગતિમાં છે. જ્યારે 508.64 કરોડ રિસરફેસીંગ માટે મંજૂર કરાયા છે
નાગરિકોને સુવિધાયુકત અને સલામત રસ્તા મળે તવો ઉદ્દેશ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવા સારા અભિગમથી રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ.508.64 કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની લીલીઝંડી આપી દીધી છે.

રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.

રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે CM ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાંજ રસ્તાના તાત્કાલિક સમારકામ માટે અધિકારીઑને આદેશ કર્યા હતા. રિપેરિંગ, રિસર્ફેસિંગ અને માર્ગ નિર્માણના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચન કરવામાં આવ્યું હતું. આ કામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઑને ડેડલાઇન પણ જાહેર કરી હતી. નવરાત્રી સુધી તમામ રસ્તાઓની કામગીરી પૂરી કરો તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો. પણ વરસાદી વિધ્નને લીધે કામ સમયસર નહીં થાય તેવુ દેખાઈ રહ્યું છે.

તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતીએ કુલ 5,790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.5,986 કરોડના કામો પ્રગતિમાં છે. એટલું જ નહિ, 2,763 કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ.1,762 કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોના નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ તેમજ સંગીન કરવા માર્ગ-મકાન વિભાગને આપેલા દિશાનિર્દેશોને પગલે આ કામગીરી વધુ ઝડપથી થાય તેવા પણ આદેશ પારિત કર્યા છે.

Created with Snap
error: