વિવાદનું બીજું નામ બન્યાં વડોદરાનાં યુનાઇટેડ વે નાં ગરબા
વિશ્વપ્રસિદ્ધ યુનાઇટેડ વે ગરબામાં બીજા દિવસે પણ હોબાળો
સતત બીજા દિવસે પગમાં કાંકરા વાગતાં ખેલૈયાઓનો હોબાળો
ઇન્ટરવલ બાદ ખેલૈયાઓએ ગરબા રમવાનો ઇન્કાર કરતાં વિવાદ
ગરબામાં હોબાળો થતાં પોલીસે કરવી પડી દરમ્યાનગીરી
ખેલૈયા પાસેથી હજારો વસુલ્યા છતાં સુવિધાનાં નામે કાંકરા
યુનાઇટેડ વે નાં સંચાલકો ખેલૈયાઓને સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ
વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.
યુનાઇટેડ-વેમાં સતત બીજા દિવસે ગ્રાઉન્ડ પર પથ્થરોના મુદ્દે હોબાળો થયો ગયો હતો અને ઇન્ટર્વલ પછી બીજા ગરબાએ જ ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતાં હોબાળો મચી ગયો હતો. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા. પ્રથમવાર અડધો કલાક સુધી ગરબા બંધ રહ્યા હોવાની ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ-વેમાં પહેલા જ નોરતે હજારો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડ પર પગમાં કાંકરા વાગતાં કળતર સહન કરવાનો વારો આવતાં ગરબા રમવાનો ઉત્સાહ જ ઓસરી ગયો હતો. ઉમંગભેર ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓ ભારે રોષે ભરાયા હતા એને પગલે અતુલ પુરોહિતને પણ માઇક પરથી આયોજકોનો બચાવ કરવો પડ્યો કે માફ કરજો, નવી જગ્યામાં તકલીફ પડી રહી છે, આવતીકાલથી નહીં પડે. એ બાદ આજે મંગળવારે આયોજકોને ગરબા ગ્રાઉન્ડમાં કાંકરા વીણાવવાનો વારો આવ્યો હતો.
ખેલૈયાઓએ હોબાળો મચાવતાં માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી ગયા હતા અને ખૈલેયાઓને કહ્યું હતું કે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ના બગડે એનું ધ્યાન રાખો. ટોળામાં ભેગા ના થાવ, તમને કોઇ પ્રશ્ન હોય તો તમે લેખિતમાં અરજી આપી શકો છો. ખેલૈયાઓને કોઈપણ ફરિયાદ હોય તો તેઓ ગ્રાઉન્ડ પર અમારો સ્ટોલ છે, ત્યાં આવીને પણ રજૂઆત કરી શકે છે.
ખલૈયાના પગમાં પથ્થર વાગવાથી લોહી નીકળ્યું હતું, જેથી ઘણા લોકો બહાર નીકળી ગયા હતા. પ્રથમ દિવસે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને પથ્થરો વાગતાં હોબાળો થયો હતો. બીજા દિવસે પથ્થર ન વાગે એ માટે લોકો મોજા પહેરી આવ્યા હતા.
યુનાઇટેડ-વેના આયોજકોએ જે ખૈલેયાઓને રિફંડ જોઇતું હોય તેના માટે બુધવારે 1થી 7 દરમિયાન લિન્ક મૂકવામાં આવશે, જેના માધ્યમથી તેઓ રિફંડ મેળવી શકશે. 7 વાગ્યા પછી રિફંડ માટે અરજી કરી શકાશે નહીં.
યુનાઇટેડ-વેના ગરબા ગ્રાઉન્ડ પર સવારથી જ કાંકરા વીણવાની કામગીરી ચાલુ હતી. બીજી તરફ રાત્રે ચાલુ ગરબામાં પણ ઇન્ટર્વલ દરમિયાન સાવરણા અને ડોલોથી ગ્રાઉન્ડ સાફ કરીને કાંકણા વીણવામાં આવ્યા હતા. તેમ છતાં ગ્રાઉન્ડમાં મોટા પથ્થરોને પગલે લોકોના પગને ઇજા પહોંચતાં ખેલૈયાઓએ પિત્તો ગુમાવ્યો હતો.
યુનાઈટેડ-વે ગરબાના પાસધારક દ્વારા પાસ માટેની મોટી રકમ લીધા બાદ યોગ્ય સુવિધા ન આપતાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરાતાં અદાલતે આયોજકો વિરુદ્ધ નોટિસ કાઢી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. નવાપુરામાં રહેતા વિરાટસિંહ વાઘેલા વ્યવસાયે વકીલ છે. તેમને તથા પરિવારે પાસદીઠ 4838 ચૂકવ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ પર યોગ્ય સફાઈ ન હોવાથી કાંકરા વાગતાં હોવાથી આયોજકો પાસેથી અઢી લાખ પરત અપાવવા ગ્રાહક સુરક્ષા કોર્ટ સમક્ષ માગ કરી હતી. સંસ્થાના ચેરમેન, વાઇસ-ચેરમેન, ખજાનચીને હાજર રહેવા નોટિસ કાઢી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા