CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક
આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા
આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાશે. જેમાં PM મોદીના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાશે. તદુપરાંત વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો અને નિરાકરણ બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. વધુમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પણ બેઠકમાં સમીક્ષા કરાશે. ચૂંટણી પહેલા મહત્વના વિકાસ કાર્યોની કેબિનેટમાં સમીક્ષા થશે.
ટેકાના ભાવે ખરીદી ન થઇ રહેલા રજિસ્ટ્રેશન બાબતે પણ આજે બેઠકમાં સમીક્ષા થશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાની સાથે ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ધામા વધી ગયા છે. ત્યારે PM નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવીને ગયા. ત્યારે એકવાર ફરી PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે અમૂલ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અમૂલ ડેરીના આ પ્લાન્ટથી પશુપાલકોને મોટો ફાયદો થશે.
PM મોદી આગામી 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા જ્યારે 19 ઓક્ટોબરનાં રોજ રાજકોટની મુલાકાત લેવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકોના દોરની સાથે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જેમાં રાજકોટની મુલાકાત દરમિયાન PM મોદીના હસ્તે રૂ. 7000 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જેમાં અમૂલ ડેરીના વિશાળ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. ગાંધીનગર બાદ રાજકોટમાં પણ અમૂલ ડેરીનો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જે પ્લાન્ટ સ્થપાતા જ પશુપાલકોને અનેક ગણો ફાયદો થશે. એ સિવાય રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવનિર્મિત નાનામવા, સિવિલ હોસ્પિટલ ચોક અને 150 ફૂટ રિંગ પરના ત્રણ ઓવરબ્રીજ તેમજ કરોડોના ખર્ચે નિર્માણ પામેલ લાઇટ હાઉસ તેમજ સાયન્સ મ્યુઝીયમનું લોકાર્પણ અને ખીરસરા સહિતની બે જીઆઈડીસીનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
વધુમાં 9 ઓક્ટોબરના રોજ પણ PM મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામ નજીક PM મોદી સભા યોજશે. ત્યારે PM મોદીની સભા માટે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.