Satya Tv News

વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર જ આ ટ્રેનને લીલી ઝંડી આપીને વડાપ્રધાન મોદીએ અમદાવાદ સુધી સવારી કરી હતી.

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત પીઆરઓ જીતેન્દ્ર જયંતે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આજે (ગુરૂવારે) સવારે 11-15ના વંદેભારતને અકસ્માત નડ્યો હતો. ભેંસો ટ્રેક પર આવી ગઈ હતી. ભેંસ આવી ગઈ હોવાથી ટ્રેન રોકતાં રોકતાં તેને અથડાવાની જ હતી, કેમ કે ગાડી સ્પીડમાં હતી. એક સામટી બ્રેક લગાવી શકાય તેમ ન હતી. કેમ કે, એકી સાથે બ્રેક લગાવે તો ગાડી નીચે આવી જાય. યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રેક લગાવાઈ હતી, પંરતુ ત્યાં સુધી ભેંસો ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. ટ્રેન સમયસર રવાના થઈ છે, પરંતુ થોડું પ્રોર્શન ડેમેજ થયું હતું, તેને રિપેર કરીને ટ્રેનને ગાંધીનગર રવાના કરી દેવાઈ હતી.

મળતી માહિતી મુજબ વંદે ભારત સેમી હાઇ સ્પીડ પ્રીમિયમ ટ્રેનને આજે અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના એન્જિનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. એક તરફનો સમગ્ર હિસ્સો ભાગી હતો. જોકે એન્જિનના આગળના હિસ્સાને રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટ્રેનને આગળ રવાના કરાયા હતા.

મુંબઈથી સવારે ગાંધીનગર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બે ભેંસ અથડાઈ હતી. વટવા પાસે બે ભેંસ રેલના પાટા પર આવી ગઈ હતી. ફુલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી ગઈ હતી. એને જોઈને ટ્રેનના ચાલકે એને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ફુલ સ્પીડમાં જતી ટ્રેનની અડફેટે બંને ભેંસ આવી ચડી હોવાનું રેલવેના પીઆરઓ દ્વારા જણાવાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવાય છે. લીલીઝંડી બતાવ્યા બાદ તેમણે ગાંધીનગરથી કાલુપુર સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.

error: