Satya Tv News

મહેસાણાના બેચરાજી ખાતે આવેલા બહુચરાજી મંદિરની વાત આવે ત્યારે નવલખા હારનું નામ અચૂક લેવાય છે. અમૂલ્ય નીલમ અને માણેકની જડાયેલો આ હાર વર્તમાન સમયમાં ગુજરાતના તમામ મંદિરોમાં સૌથી મોઘુ આભૂષણ છે. સાડા ત્રણસૌ વર્ષ પૂર્વે ગાયકવાડ દ્વારા માતાજીને ભેટ ધરાયેલા આ હારની તે વખતે કિંમત નવ લાખ રૂપિયા હતી.વર્તમાન સમયમાં આ હારનું મૂલ્ય 300 કરોડ રૂપિયાને આંબી ગયુ છે અને આ હકીકત મંદિરે હારની વર્તમાન સમયમાં કરાવેલી વેલ્યુશનને આધારે સ્પષ્ટ થઇ છે. વર્ષમાં એક જ દિવસ આ હાર દશેરાના દિવસે બહાર કાઢવામાં આવે છે. છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીને દશેરાના દિવસે આ હાર પહેરાવી પરંપરા જાળવવામા આવી હતી.

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. સાડા ત્રણસો વર્ષ પૂર્વેથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. વર્તમાન સમયમાં રૂપિયા 300 કરોડનું બજાર મૂલ્ય ધરાવતો આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવાની ત્રણસો વર્ષથી ચાલી આવતી પરંપરાને મંદિર યથાવત રાખી છે.

ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા 250 થી 300 કરોડને આંબી ગઇ છે. આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા,વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે. હારમાં ઝડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. જો કે,આવનાર લોકો આ હાર જોઇને અચંબિત થઇ જાય છે અને સૌ કોઇના મોઢે માત્ર નવલખા હારની જ વાત હોય છે.

error: