હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં PARTY REVERSAL
ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં જામનગર AAPમાં ગાબડું
15 જેટલાં AAPના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાયા
200 જેટલા કાર્યકતાઓ પણ વિધિવત રીતે જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં એક બાદ રાજકીય પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ક્યારેક AAPમાંથી કોઇ ભાજપમાં જોડાય છે તો કોઇ કોંગ્રેસમાં, તો ક્યારેક કોઇ કોંગ્રેસમાંથી ભાજપમાં કે AAPમાં જોડાય છે તો ક્યારેક ભાજપમાંથી કોઇ AAPમાં અથવા તો કોંગ્રેસમાં જોડાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વખત ચૂંટણી પહેલા જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે.
રાજ્યમાં ચૂંટણીને હવે ઝાઝો સમય નથી રહ્યો ત્યારે એ પહેલાં જ જામનગર AAPમાં મોટું ગાબડું પડી ગયું છે. આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 જેટલા પૂર્વ હોદ્દેદારો અને 200 જેટલાં કાર્યકર્તાઓએ આજે કેસરિયો ધારણ કરી લીધો છે.
શહેરના અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિત સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવીને AAPના કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા છે. અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિધિવત રીતે ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અનેક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નટુ પોંકિયા પણ ભાજપમાં જોડાયા હતા. ભેંસાણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પણ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે એવી ચર્ચાઓ પણ વહેતી થઇ છે કે, હર્ષ રિબડીયા ભાજપની ટિકિટ પર વિસાવદરથી ચૂંટણી લડી શકે છે.
તદુપરાંત હજુ ગઇકાલે જ ચૂંટણી પહેલા વડોદરામાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. સાવલીના ક્ષત્રિય સમાજના મોટા નેતા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામાં જોતરાયા છે. મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એકપછી એક દાવ રમી રહ્યા છે. જેના ભાગ રૂપે પક્ષ પલટાની મોસમ પણ મોટા પાયે ખીલી રહી છે. ત્યારે સાવલી ક્ષત્રિય સમાજના મોટા નેતા કુલદીપસિંહ રાઉલજી ભાજપ સાથે છેડો ફાંડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તેઓએ ગઇકાલે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.