સુરતમાં કાપડના વેપારમાં નુકસાની જતા દેવું ચૂકવવા માટે માસિયાઇ ભાઇના કારખાનામાંથી જ હીરા ચોરી કરીને દેવું ભરવાનું વિચારી રૂા.24.12 લાખના હીરાની ચોરી કરનાર યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ યુવકે પોતાનો ચહેરો ઓળખાઇ નહીં તે માટે છત્રી લઇને આવ્યો અને ચાવીથી મુખ્ય દરવાજો ખોલીને અંદરનું ડ્રોઅર કાપ્યા બાદ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલમાં તો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના મોટા વરાછા અબ્રામા રોડ અમુત રેસીડેન્સી ખાતે રહેતા ભૌમિક પરબત સોજીત્રા વરાછા મીનીબજાર ચોક્સી બજારમાં હીરાની ઓફિસ ધરાવે છે. બે દિવસ પહેલા તેની ઓફિસમાં કોઇ અજાણ્યો આવ્યો હતો. આ યુવક છત્રી લઇને આવ્યો હતો અને ઓફિસ ખોલીને અંદરથી ડ્રોઅર કાપી નાંખ્યું હતું, ત્યારબાદ ઓફિસમાંથી રૂા. 24.12 લાખની કિંમતના 122 કેરેટ હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બાબતે તાત્કાલિક ભૌમિકભાઇએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચનના પીએસઆઇ ડોડીયાની ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે કાપોદ્રાના કાપોદ્રા રચના સર્કલ પાસેથી વિજયકુમાર મુકેશભાઇ ધડુક (રહે.લક્ષ્મીબા રો હાઉસ, સીમાડા ગામ, સુરત)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂા.24.12 લાખના હીરા પકડી પડ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અને પૂછપરછ કરતા પોલીસની પુછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, વિજય ફરિયાદી ભૌમિકના માસીનો પુત્ર થાય છે. જે સાંભળીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. કારણ કે પોતાના જ સગા સંબંધીના કારખાનાની અંદર ચોરી કરી હતી. બાદમાં વધુ પૂછપરછમાં ચાર મહિના પહેલા વિજયને કાપડના વેપારમાં મોટુ નુકસાન થયું હતું. ત્યારબાદ તે હીરાના વ્યવસાયમાં આવ્યો હતો અને હીરા શીખવા માટે ભૌમિકની ઓફિસે આવતો હતો. વિજય પિતરાઇ ભાઇ થતો હોવાથી ભૌમિકે કારખાનાની એક ચાવી વિજયને આપી હતી. ભૌમિકના કારખાનામાં લાખો રૂપિયાના હીરા પડ્યા હોવાથી વિજયએ દેવું ભરપાઇ કરવા માટે ભૌમિકની ઓફિસને નિશાન બનાવીને ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલીને મુખ્ય ઓફિસનું ડ્રોઅર ખોલી તેમાંથી હીરા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી વરાછા પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.
વરાછામાં હીરાના કારખાનામાં ચોરી થઈ તે ઓફિસની બહાર સીસીટીવી કેમેરા લાગ્યા છે. તેની જાણ વિજયને હતી. જેથી વિજય પોતાનો ચહેરો ઓળખાઈ ન જાય તે માટે વગર વરસાદે પણ છત્રી લઈને આવ્યો હતો. અને પોતાને આડે છત્રી રાખી ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી ઓફીસ થી 24 લાખના હીરા લઈ ફરાર થઈ ગયો હતો. વિજયની તેના જ ભાઈની ઓફિસમાં ચોરી કરવાની આ તમામ હરકત ઓફિસની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સીસીટીવીના આધારે આખરે તેને ઝડપી પાડ્યો છે.