ગાંધીનગર શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂ. ૧ર૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. રાજકોટ મહાનગરમાં પ૦ ઇલેક્ટ્રીક બસોનું સંચાલન થશે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં ૩ર CNG બસોનું સંચાલન અને ભૂજ નગરપાલિકામાં રર CNG બસોનું સંચાલન થશે.
મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી અત્યાર સુધી ૧૧૮૯ બસોને મંજૂરી અપાઇ છે. આઠ મહાનગરો અને ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ ૧ર૧ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.