Satya Tv News

સુરતના કતારગામમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગતા રાજકારણ ગરમાયું
કોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ અને અશાંતધારાના અમલમાં કૌભાંડ થયાની વાત વહેતી થઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ગાજ્યો છે. ચૂંટણીનું કાઉન્ટ ડાઉન પહેલાં જ આ મુદ્દા ઊભા થતાં સુરતનું રાજકારણ ગરમાયું છે. સુરતના કતારગામ ડભોલી અને સીંગણપોર વિસ્તારમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગવા ઉપરાંત આગામી દિવસોમાં સીંગણપોર વિસ્તારમાં લવ જેહાદના વિરોધમાં મહિલા વક્તાનો કાર્યક્રમ પણ આયોજન કરવામા આવ્યો છે. જ્યારે શહેરના કોટ વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થવા અંગેની વ્યાપક ફરિયાદનો મુદ્દો સોશિયલ મીડિયામાં હોટ ટોપિક બની રહ્યો છે

સુરતના કતારગામ ડભોલી અને સીંગણપોર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વલ જેહાદ મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના પ્રચાર અને પ્રસારના બેનર પોસ્ટર વ્યાપક માત્રામાં જોવા મળી રહ્યાં છે. આ કાર્યક્રમમાં બહેન-દિકરીઓને સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે જાહેર નિમંત્રણ આપવામા આવ્યું છે. આવતીકાલે ડભોલી ચાર રસ્તા ખાતે યોજાનારા આ કાર્યક્રમનું આયોજન હાલ હિન્દુ હિત ગ્રુપ દ્વારા કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કાર્યક્રમ પહેલાં શહેરના સિંગણપોર અને ડભોલી વિસ્તારમાં અનેક જગ્યાએ લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે હિન્દુઓમાં જાગૃતિ માટેની જાહેરાત થઈ રહી છે. આ કાર્યક્રમમાં સામાજીક કાર્યકર્તા કાજલબેન હિન્દુસ્તાન મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે. અને હિન્દુ સમાજની દિકરીઓ વધુમાં વધુ હાજર રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

કતારગામ વિસ્તારમાં લવ જેહાદ માટે જાગૃતિ માટે પોસ્ટર બેનર જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે અને તેના કારણે શહેરની શાંતિ જોખમાય રહી છે તેવી પોસ્ટ સોશિયલ મિડિયામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. કોટ વિસ્તારમાં નિયમોનો ભંગ કરીને અશાંત ધારો હોવા છતાં મકાનની લે વેચ થઈ રહી છે અને કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ગાજતા રાજકારણ ગરમાયું છે.

error: