આજરોજ રાજકોટ શહેરનાં બી-ડિવિઝન પોલીસ મથકમાં એસઆરપી જવાને ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના એસઆરપી ગ્રૂપ-8 કંપની-બીમાં ફરજ બજાવતા અને રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના ઉપરના બીજા માળે બેરેકમાં રહેતા કોન્સ્ટેબલ રમેશ કોલીએ પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી પોલીસ મથકની અંદર છતમાં રાયફલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને લઈ સાથી કર્મચારીએ તેની રાયફલ લઈ લીધી હતી. જોકે જવાને આ ફાયરિંગ દ્વારા પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મુક્તા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલના એસઆરપી ગ્રૂપ-8 કંપની-બીમાં ફરજ બજાવતા જવાનો માટે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના ઉપરના બીજા માળે બેરેકમાં રહેવાની સગવડતા કરવામાં આવી છે. જેમાં રહેતા કોન્સ્ટેબલ રમેશ કોલીએ પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી પોલીસ મથકની અંદર છતમાં રાયફલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેથી ગોંડલ એસઆરપી ગ્રૂપમાં ફરજ બજાવતા એએસઆઈ તૈયબભાઇ ઇસાભાઈ જુણાચની ફરિયાદ પરથી એસઆરપી ગ્રૂપ-8ના પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રામાભાઈ કોલી વિરુદ્ધ કલમ 286 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એસઆરપી ગ્રૂપમાં ફરજ બજાવતા એએસઆઈ તૈયબભાઇ ઇસાભાઈ જુણાચની પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગતરાત્રે પોણા નવેક વાગ્યાના અરસામાં મારા ફોન પર અનિરુધ્ધસિંહ જાડેજાનો ફોન આવ્યો અને તેઓએ મને જણાવ્યુ કે,અમારી સાથે બી ડીવીજન પોલીસ સ્ટેશનની બેરેકમાં રહેતા રમેશભાઈ રામાભાઈ કોલીએ ફાયરીંગ કર્યું છે. જેથી પોતે ત્યાં દોડી જતા પલંગ પર એસ.આર.પી.મેન રમેશભાઈ કોલી બેસેલ હતા અને તેને ફાળવવામાં આવેલ ઈન્સાસ રાઈફલ ગંગુભાઈ કોલી પાસે હતી. તેમજ મેગ્ઝીન સહીત રાઉન્ડ જે અનિરુધ્ધસિંહ જાડેજા પાસે હતા. અને આ બંનેએ રમેશભાઈ કોલીએ ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે ગોળી છત્ત પર વાગતા બાજુમાં રહેલ પોલીસમેન ગંગુભાઈ દ્વારા રાયફલ ઝુટવી લેવામાં આવી હતી. અને રાયફલનુ રાઉન્ડ સહીતનું મેગ્ઝીન કાઢી લઈ અનીરુધ્ધસિંહ જાડેજાને આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોલીસમેન રમેશભાઈ કોલીને ફરજ માટે કંપની ઓફીસમાંથી ઈન્સાસ રાયફલ બટ નં-345 ઈસ્યુ કરવામાં આવેલી હતી તથા સાથે 20 રાઉન્ડ ઈશ્યુ કરવામાં આવેલ હોય તે ઈન્સાફ રાયફલથી પોલીસમેન દ્વારા પારીવારીક પ્રશ્નોના કારણે ડીપ્રેશનમાં આવી અને સાથેના માણસોની પણ જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારીથી રાયફલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.