જર્મનીની રાજધાની બર્લિનમાં રેડિસન બ્લૂ હોટલમાં એક પ્રખ્યાત એક્વેરિયમ શુક્રવારે તૂટી ગયું હતું. આ ઘટના સવારે પાંચ વાગ્યાને 45 મિનિટે બની હતી. એક્વેરિયમ એટલું મોટું હતું કે તૂટ્યાં પછી હોટલ અને રસ્તા પર લાખો લિટર પાણી વહી ગયું હતું. ઘટનાની જાણકારી મળતાં ઈમર્જન્સી સર્વિસના 100 લોકોની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, બર્લિનના મિટ્ટા જિલ્લામાં એક્વાડોમ નામના આ એક્વેરિયમમાં વિસ્ફોટ થતાં 2,64,172 ગેલન પાણી ચારેબાજુ ફેલાઈ ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક્વેરિયિમમાં 1500 માછલી હતી, જે હોટલમાં ફેલાઈ ગઈ હતી.
એક્વાડોમ એક્વેરિયમની ઊંચાઈ 15.85 મીટર હતી, એ વિશ્વના સૌથી મોટા નળાકાર માછલીઘર તરીકે જાણીતું હતું. એક્વેરિયન તૂટવાને કારણે કાચના ટુકડા પડવાથી બે લોકો ઘાયલ પણ થયા છે. બર્લિન પોલીસે કહ્યું હતું કે એ એક મોટું નુકસાન છે. આ દુર્ઘટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે એક્સપર્ટની સલાહ પણ લેવામાં આવશે. આ ઘટના બાદ મોટા ભાગના લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
ભૂકંપ જેવી ઘટના બની.
એક્વેરિયમમાં વિસ્ફોટની ઘટના કેટલી મોટી હતી એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ પછી સ્થાનિક પોલીસે એલેક્ઝાન્ડરપ્લાટ્ઝથી બ્રાન્ડેનબર્ગ ગેટ સુધીનો રસ્તો હોટલની બહાર બંધ કરી દીધો હતો.
હોટલમાં હાજર એક ગેસ્ટે કહ્યું હતું કે એક્વેરિયમમાં વિસ્ફોટ થતાં લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. હોટલ મેનેજમેન્ટ સંભાળનારી વ્યક્તિએ જણાવ્યું હતું કે 1500 માછલી સ્થળ પર જ મરી ગઈ. જ્યારે માછલીઘરની નાની ટાંકીમાં રાખવામાં આવેલી માછલીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બર્લિનના મેયર ફ્રાંઝિસ્કા ઝિફે કહ્યું હતું કે સારી વાત એ હતી કે માછલીઘરમાં વહેલી સવારે વિસ્ફોટ થયો ત્યારે કોઈ હાજર નહોતું. જો આ ઘટના અન્ય કોઈ સમયે બની હોત તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. જ્યારે આ ઘટના બની હતી ત્યારે હોટલમાં લગભગ 350 લોકો હાજર હતા.
વર્ષ 2020માં એક્વેરિયમનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ ટાંકીઓની સફાઈ કરવામાં આવી હતી. ટાંકીના સમારકામ દરમિયાન તમામ માછલીઓને હોટલના બેઝમેન્ટમાં સ્થિત એક્વેરિયમમાં રાખવામાં આવી હતી. માછલીઘરની નજીક ગ્લાસ એલિવેટર પણ લગાવવામાં આવ્યા હતા, જેથી લોકો એને નજીકથી જોઈ શકે. આ ઘટના પછી તેને પણ બંધ કરી દેવામાં આવી છે.