Satya Tv News

અંકલેશ્વરમાં વીજ ચેકીંગ ટીમ ઉપર 50 થી 60ના ટોળાનો હુમલો
ટોળાએ મુક્કાબાજી કરી વાહનને પણ નુકશાન પહોંચાડ્યું
નાયબ ઇજનેરે એક વ્યક્તિ સહિત ટોળા સામે ગુનો નોંધાવ્યો
સરકારી કામમાં અડચણ, રાયોટિંગ સહિતનો ગુનો દાખલ
વિડીયોગ્રાફીના આધારે હુમલાખોરને પકડવા કવાયત શરૂ

અંકલેશ્વર શહેરમાં વીજ કંપનીની ચેકીંગમાં રહેલી 8 ટીમો ઉપર કસ્બાતીવાડમાં 50 થી 60 ના ટોળાંએ ઘેરી હુમલો, સોનાની ચેઇનની લૂંટ સહિત વાહનની તોડફોડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મંગળવારે અંકલેશ્વર શહેરમાં માસ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જુદા જુદા વિસ્તારોમાં 101 ચેકીંગ ટીમ, 126 પોલીસ બંદોબસ્ત સાથે 110 વાહનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. નવસારીના નાયબ ઈજનેર કશ્યપ કેવટ વીજ ચેકીંગની 8 ટીમો અને વીડિયો ગ્રાફી સાથે ચેકીંગ કામગીરી કરી રહ્યા હતા. ત્યારે કસ્બાતીવાડ ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં મીટર બાયપાસ કરી વીજ ચોરી બહાર આવતા કેટલાક સ્થાનિકોએ હોબાળો શરૂ કર્યો હતો.જોર જોરથી બુમો પાડી તમે અહીં કોને પૂછીને વીજ ચેકીંગ કરવા આવ્યા છો. કહી ટોળું ભેગું કરી અહીંથી જતા રહો બાકી માર મારીશુંની ધમકી આપી એક વ્યક્તિએ નાયબ ઇજનેરને ગાલ ઉપર મુક્કો મારી દીધો હતો.

શબનમ કોમલેક્સ ખાતે ઈમ્તિયાઝ શેખ ઉર્ફે મુનનું મામુએ તેના ત્યાં ચેકીંગ વેળા બુમો પાડી 50 થી 60 નું ટોળું ભેગું કરી વીજ અધિકારીઓ અને ટીમો સાથે ઘર્ષણમાં ઉતરા હતા. જેમાં પણ બે કર્મચારીઓને ધક્કામુક્કી, ઢોલ ધપાટ અને મુક્કા મારતા તેમના શર્ટ ફાટી જવા સાથે ચશ્મા પણ તૂટી ગયા હતા.

દરમિયાન ટોળા દ્વારા નાયબ ઇજનેરે ગળામાં પહેરેલી રૂપિયા 1.18 લાખની સોનાની ચેઇન પણ કોઈએ આંચકી લીધી હતી. જ્યારે વીજ કંપનીના વાહન ઉપર પથ્થરમારો કરી કાચ તોડી કાઢવા સાથે નુકશાન પહોંચાડ્યું હતું. વીજ કંપનીના નાયબ ઇજનેરે ટોળા દ્વારા હુમલો, ધમકી, મારામારી, લૂંટ અને સરકારી કામમાં દખલગીરીની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વિડીયોગ્રાફીના આધારે હુમલાખોરોને જેર કરવા તજવીજ હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: