પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં દેવ તલાવડી આવેલી છે. આ તલાવડીમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે આ તલાવડીમાં કેટલાક બાળકો જોડે નાહવા માટે ગયા હતા, જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. વાત કરીએ ગોધરાના ખાડી ફળિયા વિસ્તારની તો આ નાડીયાવાસ ખાતે રહેતો એક દસ વર્ષનો બાળક તળાવમાં નાહવા માટે ગયો હતો. જોકે તરતા તરતા ઘણો આગળ નિકળી ગયો હતો અને આ તળાવના દલદલમાં ફસાઈ ગયો હતો. બાળક પાણીમાં ગરકાવ થઈ જતા તેને બચાવવા માટે એક ભાઈએ કોશિશ કરી હતી, પરંતુ તલાવડી એટલી ઊંડી અને દલદલ ભરેલી હતી કે, એ ભાઈ અંદર ના જઈ શક્યો. જેથી તેમણે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી પહોંચી હતી. બાળકને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
કલાકોની જહેમત બાદ બાળકને તલાવડીના દલદલમાંથી મૃત અવસ્થામાં બહાર કાઢ્યો હતો. આ બનાવની જાણ પરિવારમાં થતા બાળકના માતા પિતા સહિત પરિવારના સભ્યો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. બાળકને મૃત હાલતમાં જોતા માતા પિતા ભાંગી પડ્યા અને હૈયાફાટ રુંદન કરી રહ્યા હતા.
એક ભાઈએ બચાવવાની કોશિશ કરી પણ…
આ બનાવ સંદર્ભે ગોધરા ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા નાડીયાવાસ ખાતે રહેતા જીતુભાઈ નટુભાઈ ચૌહાણનો દીકરો દક્ષ જીતુભાઈ ચૌહાણ પોતાના ઘરેથી ગોધરાના દેવ તલાવડી પાસે આવેલા તલાવડીમાં કેટલાક છોકરાઓ સાથે નાહવા માટે ગયો હતો. ત્યારે દક્ષ પાણીમાં તરતા તરતા તલાવડીના ઊંડાણમાં આવેલા દલદલમાં ફસાઈ જતા આજુબાજુમાં ઉભેલા એક ભાઈ દોડી આવી તેને બચાવવાની કોશિશ કરી હતી.
માતાનું હૈયાફાટ રુદન તમને પણ રડાવી નાખશે
આ બનાવની જાણ પોતાના માતા પિતાને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવી ભારે આક્રંદ સાથે રુદન કરી રહ્યા હતા. બાળકની માતા જોરજોરથી હૈયાફાટ રુદન સાથે આક્રંદ કરી રહી હતી અને કહી રહી હકી કે, ઓ મારા પેટ…મારા દક્ષેશને શું થઈ ગયું? ઓ ચિરાગ દક્ષને શું થઈ ગયું…ઓ દક્ષ દીકરા હમણાં તો મારી જોડે પેપ્સી ખાતો હતો અને અહીં કઈ રીતે આવી ગયો…ઓ બાપ મને મારા છોકરા જોડે જવા દો…શું થઈ ગયું મારા દીકરાને…ઓ દીકરા હમણાં તો મારી જોડે બપોરે રોટલી અને શાક ખાવા બેઠો હતો અને આ શું થઈ ગયું…દીકરા તું ઉભો થા…આ રીતે હૈયાફાટ રૂદન કરી રહેલી માતા ઉપર પોતાના દીકરાને ગુમાવવાથી આભ તુટી પડ્યું હતું.
ફળિયામાં રહેતા લોકોમાં માતમ છવાયું
પોતાના ફળિયાનો દીકરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેની જાણ ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા લોકોને થતાં તમામ લોકો દોડી આવ્યા હતા, પરંતુ બાળકના મોતને ભેટતા અને દુનિયાને અલવિદા કરી દેતા પરિવાર સહિત ખાડી ફળિયાં વિસ્તારના લોકોમાં માતમ છવાયું હતું.