સુરત

સુરતના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગના કારણે વહેલી સવારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં આખી દુકાન બળીને ખાખ થઇ ગઈ હતી.
પાંડેસરા મસાલાની દુકાનમાં આગ
પાંડેસરા કૈલાશ નગર ચોકડી સ્થિત ગીતા નગર પાસે આર.પી.એસ. નામથી મસાલાની દુકાન આવેલી છે. વહેલી સવારે દુકાન બંધ હતી તે સમયે દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં આગ લાગ્યાની જાણ આસપાસના રહીશોને થતા વહેલી સવારે દોડધામ મચી ગઈ હતી.અફરા તફરી જેવો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
મસાલાની દુકાનમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. વહેલી સવારે 5.34 મીનીટે કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની પાંચથી વધુ ગાડી સાથેની ટીમ ઘટના સાથે પહોંચી આવી હતી. દરમિયાન ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
પાંડેસરાની આ મસાલા દુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ દુકાન બંધ હતી.ત્યારે બંધ દુકાનમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન કરાય રહ્યું છે. તેમજ દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલો મસાલાનો સમાન સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગયો હતો. જો કે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
