Satya Tv News

ભરૂચના ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચે આગ લાગવાની ઘટના બની હતી. સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ થતાં તેને ઝડપી પાડી તેના 4 દિવસના રિમાન્ડ મેળવી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોતાં સિક્યોરિટી ગાર્ડ સ્કૂટર પર આવ્યા બાદ આમ તેમ ટહેલે છે. ત્યાર બાદ માચીસથી પ્લાસ્ટિકના જથ્થામાં આગ લગાડે છે. આગની આ ઘટનામાં કંપનીના માલિક પિતા-પુત્રને 11 કરોડનું નુકસાન થયું છે.

CCTVમાં સ્પષ્ટ જોવા મળે છે કે આગ લગાડ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ તેના સ્કૂટર પાસેથી માટી ઊંચકી આગ ઓલવવાનો પ્રયાસ કરે છે. જોકે બાદમાં બે પગલાં ચાલી માટી ત્યાં જ ફેંકી દે છે. જોકે તે ફાયર વિભાગને કે કોઈને જાણ કરતો નથી. જ્યારે નજીકની કંપનીમાંથી એક કામદાર ફાયર ઇન્ગ્શ્યુલેટર લઇને આવી પહોચે છે. જ્યારે નજીકની એક ઓરડીમાંથી નીકળેલા લોકો ઘટનાને દૂરથી જ નિહાળી રહ્યા હતાં. યુવાને તેના પ્રયાસ કરવા છતાં આગ બેકાબૂ બની ગઇ હતી.

બન્ને ફેક્ટરીના માલિકને 11 કરોડનું નુકસાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મૂકનાર સિક્યોરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ફેક્ટરી પર 3 દિવસ પહેલાં જ સવારે સિક્યોરિટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળ પ્રયોજન તેમજ મકસદ શું હતું એ જાણવા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેની પૂછપરછ ચાલી રહી છે. આગ લગાડવાનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.

ભરૂચમાં ભોલાવ GIDCમાં આવેલી નર્મદા પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં 22 માર્ચે સવારે 7 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા, GNFC, NTPC ઝનોર, આરતી ઇન્ડસ્ટ્રીઝ, અંકલેશ્વર નોટિફાઈડ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ, દહેજ સહિતના જિલ્લાના 20થી વધુ ફાયરબ્રિગેડના ફાયર ટેન્ડરો, લાશ્કરો સાથે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે એના ધુમાડા 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.

error: