Satya Tv News

ક્રાઈમ બ્રાન્ચની આકરી પૂછપરછમાં કિરણ પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો. અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં મહાઠગને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.

  • અમદાવાદમાં મહાઠગની પૂછપરછ
  • પૂછપરછ દરમિયાન કિરણ પટેલનો ખુલાસો
  • “અદાણીના કોન્ટ્રાક્ટના નામે બંગલો પચાવ્યો”

મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે જમ્મુ-કાશ્મીરમાંથી કસ્ટડી મેળવીને અમદાવાદ લાવવામાં આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદની મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીને 15 એપ્રિલના રોજ કોર્ટમાં ફરી રજૂ કરાશે. પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. મહાઠગ કિરણ પટેલની ક્રાઈમબ્રાંચના અલગ-અલગ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલો કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે પોપટની જેમ જવાબ આપી રહ્યો છે. તેને ખબર પડી ગઈ છે કે, જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે. મહાઠગની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઠગે મોટા બિઝનેસમેનને કશ્મીરમાં રોકાણની લાલચ આપી હતી. આ ઉપરાંત તેણે ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાની મુલાકાત લીધી હોવાનું પણ સ્વીકાર્યું છે.

‘જગદીશપુરમ્’ બંગલાને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મહાઠગે જણાવ્યું છે કે, અદાણીના કોન્ટ્રાક્ટના નામે જગદીશપુરમ્ બંગલો પચાવ્યાનું પણ કિરણ પટેલે સ્વીકાર્યું છે. તેને બંગલા પર લઈ જઈને તપાસ કરવામાં આવશે. કિરણ પટેલ પાસે 3 બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 3 વર્ષના સ્ટેટમેન્ટની તપાસ કરશે.

આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી હતી. મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી.  બોગસ ડોક્યુમેન્ટના આધારે બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો જે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદને લઈ માલિનીની પણ ધરપકડ કરાઈ હતી. 

પોલીસ બંદોબસ્તમાં મહાઠગ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને 15 એપ્રિલના રોજ કોર્ટમાં ફરી રજૂ કરશે.

error: