રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. સુરતમાં માત્ર 27 વર્ષના શનિ કાલે નામનો યુવાન મિત્રો સાથે જમીને ઘરે આવતો હતો. તે દરમિયાન ચાલુ બાઇક પર જ તેને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ ટૂંકી સારવારમાં જ યુવાનનું મોત નીપજ્યુ છે. તો બીજી બાજુ પાટણના રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યું છે. રાધનપુર, સોમનાથ એસટી ડ્રાઇવર ભારમલ આહીરનુ હાર્ટ એેટેક આવવાને કારણે મોત નીપજ્યુ છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં નાની ઉંમરમાં રમતાં રમતાં હાર્ટ એટેક આવી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સુરત અને રાધનપુરના આ બંને કિસ્સા પણ ચિંતા જગાડે તેવા છે.
સુરતમાં શનિ નામનો યુવાન મિત્રો સાથે જમવા ગયો હતો. જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ બાઇક પર તેને છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેના મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, તબીબોના જણાવ્યા પ્રમાણે આ યુવાનને છાતીમાં દુખાવાની સાથે હાર્ટ એટેક આવ્યા હતા. જેથી આ યુવાનનું મોત નીપજ્યું છે.
રાધનપુરમાં એસટી ડ્રાઇવર ભારમલ આહીરને ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યુ હતુ. સોમનાથથી રાધનપુર પરત ફરતા ડેપો નજીક પહોંચતા ડ્રાઇવરની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતા ડ્રાઇવરે મુસાફરોથી ભરેલી એસટી બસ સલામત ડેપોમાં પાર્ક કરી દાધી હતી. ડ્રાઇવરની તબિયત લથડતા ડ્રાઇવરને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.