Satya Tv News

 રાજ્યભરમાં રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ ગઇ હતી. ત્યારે સુરતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પુણા ગામની યુવતી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા સુરત ગઇ હતી. રવિવારે સાંજે યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ફાંસાની ઊંચાઈ અને લાશની સ્થતિ જોતા ઘટના શંકા ઉપજાવે તેવી છે. રવિવારે સાંજે બાવળના ઝાડ સાથે પોતાની ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી આવી હતી. આ યુવતીનું નામ ઉર્વશી ચૌધરી છે જે માત્ર 20 વર્ષની છે. પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પુના ગામની 20 વર્ષની ઉર્વશી ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતીનો મૃતદેહ બાવળના ઝાડ પર લટકેલો મળ્યો હતો. પરંતુ જે રીતે યુવતીનો મૃતદેહ લટકેલો હતો તે શંકા ઉપજાવે તેવું છે. બાવળની નીચી ડાળ પર જ યુવતીનો ઘુંટળિયે પડેલો મૃતદેહ મળ્યો છે. હાલ બારડોલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીના આ અંતિમ પગલાને કારણે આખા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. યુવતીએ કોઇ અંતિમ ચિઠ્ઠી લખી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે. આ સાથે પરિવાર અને સંબંધીઓની પણ પૂછુપરછ કરશે. પોલીસને આ પગલા પાછળ કોઇ કારણ હજી મળ્યું નથી.

error: