રાજ્ય અને દેશમાં શારીરિક રીતે ગટર સાફ કરવા બાબતે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છત્તા અનેક મજૂરો આ રીતે ગટરની સફાઇ કરતા હોય છે. જેમાં અવાર-નવાર આવા મજૂરોના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતા હોય છે. ત્યારે આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
અરજદાતાએ આક્ષેપ કર્યો છે કે, ગટરના સફાઈ કર્મીઓના મોત મામલે પ્રાથમિક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગટર સાફ કરતી વખતે પૂરતા સાધનો મજુરોને આપવામાં આવતા નથી. બેદરકાર તંત્ર સફાઈ કર્મીઓને આ રીતે મોતના મુખમાં ધકેલી શકે નહીં. અપૂરતા સાધનોને કારણે માણસોએ ગટરમાં ઉતરવું પડે છે અને પરિણામે ગૂંગળાઈ જવાને કારણે તેમના મોત થાય છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે માણસોને ગટરમાં ઉતરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, છતાં પણ તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકારની જવાબદારી છે કે મજૂરોને પૂરતા સાધનો પૂરા પાડે.
ઉલ્લેખનીય છે કે 2022માં લોકસભામાં રજુ થયેલા આંકડા પ્રમાણે 2017થી 2022 સુધીમાં 400 જેટલા મજૂરોનું આવા કામ દરમિયાન મોત થયું છે. પ્રોહેબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેનજર્સ એન્ડ ઘેર રિહેબીલીટેશન (PEMSA) એક્ટ-2013 અંતર્ગત મજૂરો પાસેથી શારીરિક રીતે આવું કામ ન કરાવી શકાય. આ માટે સ્થાનિક સરકારો સાધનો પુરા પાડે છે. પરંતુ કેટલીક વખત માનવીય હસ્તક્ષેપની જરૂર હોય ત્યારે મજૂરો પાસે ગેસ મીટર, ગેસ માસ્ક, ઓકિસજનની વ્યવસ્થા વગેરે હોવું જોઈએ. આ મુદ્દે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.