Satya Tv News

બરોડાના (Vadodara) મહારાજાની મદદથી વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ B R Ambedkar ગુજરાતમાં જ નોકરી કરવા પરત આવ્યા હતા. જોકે અહીં તેમને અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

આજે આખો દેશ ડૉ. ભીમ રાવ આંબેડકરને નમન કરી રહ્યો છે, ઠેર ઠેર તેમના સન્માનમાં કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. દેશને અંગ્રેજોથી તો 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી ગઈ, પરંતુ દેશના કરોડો લોકો, જે ભેદભાવની સાંકળોથી બંધાયેલા હતા, તેવા લોકોને ‘સામાજિક આઝાદી’ બાબા સાહેબે અપાવી. બાળપણથી જ બાબા સાહેબને અનેક પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડ્યો, સ્કૂલમાં પણ તેમને અલગ બેસાડવામાં આવતા હતા. જોકે તેમની મહેનત અને બુદ્ધિ ક્ષમતાને કોઈ રોકી શક્યું નહીં, આજે આખી દુનિયા તેમને એક અધ્યાપક, કુશળ કાયદાશાસ્ત્રી, દાર્શનિક, ઈતિહાસકાર, અર્થશાસ્ત્રીના રૂપે જુએ છે. તેઓ આઝાદ ભારતના પહેલા કાયદા મંત્રી પણ હતા. બાબા સાહેબને વિદેશમાં જઈને અભ્યાસ કરવામાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મદદ કરી હતી. વિદેશ જતાં પહેલા તેમણે મહારાજાને પત્રમાં વાયદો કર્યો હતો કે શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ અહીં જ આવીને કામ કરશે. 

બાબા સાહેબ આંબેડકરના પુસ્તક WAITING FOR VISA માં જણાવ્યા અનુસાર બરોડા ( હાલનુ વડોદરા ) ના મહારાજાએ તેમને શિક્ષણ માટે અમેરિકા મોકલ્યા હતા, અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી તથા લંડનની સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીમાં બાબા સાહેબે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે સૌથી પહેલા બરોડામાં જ નોકરી કરવાનું પસંદ કર્યું.  

જોકે અમેરિકા અને યુરોપમાં પાંચ વર્ષ રહ્યા બાદ જ્યારે બાબા સાહેબ બરોડા પહોંચ્યા ત્યારે સૌથી મોટો પ્રશ્ન તેમની સામે હતો કે તેઓ રહેશે ક્યાં? આખું સ્ટેશન ખાલી થઈ ગયું, બાબા સાહેબ હજુ પણ ત્યાં જ વિચારમાં ઊભા રહ્યા. બાદમાં એક પારસી ધર્મશાળા ( વિશ્રામાલય ) માં રહેવાનું નક્કી કર્યું. 

પુસ્તકમાં ઉલ્લેખ છે તે અનુસાર બાબા સાહેબ 11 દિવસ આ રીતે જ રહ્યા, અને બરોડાના મહારાજા માટે કામ કર્યું. બાબા સાહેબે પારસી વિશ્રામાલયમાં રોકાવવા આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ હિન્દુ છે. જોકે 11 દિવસ બાદ સમાજના અન્ય લોકોએ આંબેડકરની જાતિ વિશે જાણી લીધું અને હાથમાં લાકડીઓ લઈને આખી ભીડ બાબા સાહેબના રૂમ તરફ દોડી આવી. લોકોએ કહ્યું તે આ જગ્યાને અપવિત્ર કરી નાંખી છે. બાબા સાહેબને કહેવામાં આવ્યું કે સાંજ સુધી ખાલી કરીને નીકળી જાઓ. 

બાબા સાહેબ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા, તેમને બરોડામાં જ સરકારી બંગલો લેવાનો વિચાર આવ્યો પણ તેનાથી ‘અછૂત’ વાળી સમસ્યાનો અંત આવવાનો નહોતો. બરોડામાં તેમના બે મિત્રો હતા, એક હિન્દુ અને એક ખ્રિસ્તી, જોકે અહીં પણ તેઓ અનેક કારણોસર જઈ ન શક્યા, જે વિગતવાર પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. અંતે તેમણે મુંબઈ પરત જવાનું નક્કી કર્યું, જોકે બરોડાથી મુંબઈની ટ્રેન રાત્રે 9 વાગ્યાની હતી. ત્યાં સુધીનો સમય ક્યાં વિતાવવો? અનેક સવાલોના વમળોની વચ્ચે બાબા સાહેબે બાકીના પાંચ કલાક કમાઠી બાગ નામના ગાર્ડનમાં રોકાવવાનું નક્કી કર્યું. 

Photo Source : wikipedia

WAITING FOR VISA પુસ્તક અનુસાર બાબા સાહેબ ઘણી બધી આશાઓ સાથે બરોડા આવ્યા હતા, તેમણે અહીં આવવા માટે ઘણી બધી ઑફરને ઠુકરાવી દીધી હતી. લંડનમાં ઘણા નામચીન લોકોને બાબા સાહેબ જાણતા હતા, છતાં તેમણે વિચાર્યું કે તેમની પહેલી ફરજ છે કે બરોડાના મહારાજા માટે કામ કરવું. જોકે આ ઘટનાઓના કારણે માત્ર 11 જ દિવસમાં તેમણે કામ છોડીને જતાં રહેવું પડ્યું. 

error: